મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરતમાં વરાછા ખાતે ભાજપના કોર્પોરેટર પર બે શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બાઈક પર આવેલા બે શખ્સો પૈકી પાછળ બેસેલાએ ગોળી ચલાવી હતી તો આગળ બેસેલાએ તુરંત બાઈક ભગાડી મુકી હતી. આ કેસમાં છેક લંડનથી સોપારી અપાઈ હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. 

સુરત ક્રાઈમ બ્રાન્ચે ભાજપના કોર્પોરેટર ભરત વઘાસિયા પર ફાયરિંગ કરવાના કેસમાં બે શખ્સોની ધરપકડ કરી છે. જોકે પકડાયેલા બંને આરોપીઓ પૈકી એક આરોપીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને હોસ્પિટલમાં ખસેડાયો છે. કોરોડોની જમીન માટે આ કેસમાં લંડનથી સોપારી અપાઈ હોવાની વિગતો સામે આવી છે. સુરત ક્રાઈમ બ્રેન્ચે સોપારી આપનાર અને એક જમીન દલાલની ધરપકડ કરી છે. હવે આ કેસમાં વધુ બીજા ખુલાસા થવાની વકી છે.

ઘટના એવી બની હતી કે, સુરતમાં વરાછા ખાતે ભાજપના 48 વર્ષિય કોર્પોરેટર ભરત મોનાભાઈ વઘાસિયા પોતાની ડાહ્યા પાર્ક ખાતેની ઓફીસથી કામ પુરુ કરીને ઘરે જઈ રહ્યા હતા. ગત સોમવારની રાત્રીના 8.40 વાગ્યાનો સમય હશે. તેઓ વાહન પર વરાછાની વર્ષા સોસાયટી વિભાગ 1 પાસેથી વાડીવાળા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાનમાં બાઈક પર બે અજાણ્યા શખ્સો આવ્યા હતા. એક બાઈક ચલાવી રહ્યો હતો અને પાછળ બેસેલા શખ્સે ફાયરિંગ કર્યું હતું. જેવું ફાયરિંગ કર્યું અને ભરતભાઈને ગોળી વાગી ગઈ છે તેવી ખાતરી થઈ કે આગળ બાઈક ચલાવનાર શખ્સે ત્યાંથી તુરંત ત્યાંથી બાઈક ભગાવી મુક્યું હતું. 

પોલીસને મળેલી વિગત પ્રમાણે ફાયરિંગ કરનાર પાછળ બેઠો હતો અને તેણે કોફી રંગનું શર્ટ પહેર્યું હતું. ભરતભાઈને પીઠના ભાગે ગોળી વાગી હતી. તેમને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં શસ્ત્રક્રિયા દ્વારા તેમની પીઠની ગોળી બહાર કાઢી લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષ 2019માં ઓગસ્ટ મહિનામાં એક કેસમાં ભરત વઘાસિયાની ધરપકડ પણ કરવામાં આવી હતી.