મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરતમાં એક મહિલાને પ્રેમી સાથે જવું હતું કેનેડા પરંતુ તેના માટે તેણે એવું કામ કર્યું છે કે હવે તેને જેલની હવા ખાવી પડશે. મહિલાએ જ્યાં કોચિંગ ક્લાસ હતા ત્યાં જ 75 લાખની રકમની ઉચાપત કરી દીધી અને તે અંગેની ફરિયાદ ક્લાસિસના સંચાલક દ્વારા કરવામાં આવતા તેની ધરપકડ કરવામાં આવી છે અને હવે કોર્ટમાં રજુ કરી તેના એક દિવસના પોલીસે રિમાન્ડ પણ મેળવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આઠવાલાઈન્સ ટેનિસ ક્લબની બાજુમાં એક અમીઝરા નામનું કોમ્પલેક્ષ છે ત્યાં યુનિવર્સલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈનિંગના કોચિંગ ક્લાસ ચાલે છે. આ ક્લાસીસમાં એકાઉન્ટન્ટ તરીકે એક વર્ષથી કામ કરતી કૃપાલી ભાર્ગવ ગાબાણીએ પ્રેમી સાથે મલીને 75 લાખ રૂપિયાની ઉચાપત કર્યાનું સામે આવ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ, કૃપાલી ગાબાણીએ કોચિંગ ક્લાસીસમાં સ્ટૂડનડન્ટની ફીના ચેક અને રોકડાથી જે રૂપિયા મળ્યા તેમાંથી ચેક મળે તો તે ક્લાસિસના એકાઉન્ટમાં જમા કરાવતી અને રોકડ રકમ તે પોતાની પાસે રાખી લેતી હતી. 2019માં ઉતરાયણની રજા દરમિયાન સંચાલકે ભાગીદારો સાથે કોચિંગ ક્લાસનો હિસાબ ચેક કર્યો તે કૃપાલી દ્વારા 75 લાખની ઉચાપત કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.

ક્લાસિસના સંચાલક મનોજભાઈ વેકરિયાએ આ અંગે કૃપાલીને જ્યારે પુછ્યું ત્યારે તેણે કહ્યું કે 75 લાખમાંથી 43 લાખ તો તેણીએ તેના પ્રેમી ધવલ ભડીયાદરાને કેનેડા જવા માટે આપ્યા હતા. બાકીના રૂપીયા અન્યોને આપ્યા હોવાનું જણાવ્યું હતું. જેને પગલે સંચાલક મનોજભાઈએ ઉમરા પોલીસ સ્ટેશને કૃપાલી અને ધવલ સામે ઠગાઈ અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બનાવની વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે આ અંગે કૃપાલીની ધરપકડ કરી કોર્ટ પાસેથી તેના 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.