પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.સુરત): સુરતના સ્પામાં નોકરી કરતી થાઈલેન્ડની વનિડા નામની યુવતીના હત્યા પ્રકરણનો ઉમરા પોલીસે ભેદ ઉકેલી થાઈલેન્ડી જ અનેડા નામની યુવતીની ધરપકડ કરી છે, પરંતુ પોલીસની તપાસમાં હત્યા કરનાર અનેડાના સંપર્કો સુરતના અનેક પોલીસ અધિકારીઓ અને જવાનો સાથે હોવાનું બહાર આવ્યું છે.

સુરતના સ્પામાં નોકરી કરતી થાઈ યુવતી વનિડાની રહસ્યમય રીતે સળગી ગયેલી લાશ મળી આવ્યા બાદ ઉમરા પોલીસે શરૂ કરેલી તપાસનો રેલો અન્ય થાઈ યુવતી અનેડા સુધી પહોંચ્યો હતો. જોકે પ્રથમ તબક્કે વનિડાના મોત સાથે પોતાને કોઈ લેવાદેવા નથી તેવો અનેડાનો દાવો હતો, પરંતુ પોલીસે પોતાની શંકાના સમાધાન માટે અનેડાના ફોનના કોલ ડિટેઈલ્સ ચેક કરતાં અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. કારણ અનેડા અનેક પોલીસ અધિકારી તથા જવાનો સાતે સંપર્કમાં હોવાનું બહાર આવ્યું હતું.


 

 

 

 

અનેક પ્રકારનો નશો કરનારી અને દારૂનું નિયમિત સેવન કરનાર અનેડાને નશીલા પદાર્થ અને દારૂ ક્યાંથી મળતા હતા તેવી પુછપરછમાં તેણે સુરત પોલીસના આર આર સેલમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારીના નામનો ઉલ્લેખ કર્યો હતો. આથી આ મામલે સિનિયર અધિકારીઓએ આ પોલીસ કર્મચારીની આકરી પુછપરછ કરી હતી. જોકે હત્યા સાથે આર આર સેલના આ પોલીસ કર્મીને સીધો સંબંધ નહીં હોવાને કારણે પોલીસ વિભાગની આબરૂ બગડે નહીં તે માટે તેઓ દ્વારા નિવેદન નોંધી ઠપકો આપી જવા દેવામાં આવ્યો છે.

હાલમાં અનેડા પોલીસ રિમાન્ડ હેઠળ છે જ્યારે મૃતક વિનિડાના પરિવારને પોલીસે થાઈલેન્ડમાં જાણ કરતાં આર્થિક કારણોસર તેઓ વનિડાનો મૃતદેહ થાઈલેન્ડ મંગાવી શકે તેવી સ્થિતિમાં નથી તેમ જણાવ્યું હતું. અત્યારે સુરત કોલ્ડ સ્ટોરેજમાં પડેલા વનિડાના મૃતદેહના અંતિમ સંસ્કાર સુરતમાં જ થઈ જાય તે માટે સુરત પોલીસે થાઈલેન્ડ દૂતાવાસનો સંપર્ક કરી અંતિમ સંસ્કાર માટે મંજુરી માગી છે.

છેલ્લા એક મહિનામાં બનેલી વિવિધ ઘટનાઓમાં સીધી અથવા આડકત્રી રીતે પોલીસ ગુનામાં સંડોવાયેલી હોવાની વિવિધ ઘટનાઓ સામે આવી છે. જેના કારણે ગુજરાત પોલીસ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એમડી ડ્રગ્સના મામલે એક એએસઆઈની ધરપકડ પણ કરી છે. તેમજ 8 પોલીસ કર્મચારીઓને તાત્કાલીક ક્રાઈમ બ્રાન્ચમાંથી બદલી નાખવામાં આવ્યા છે. તેવી જ રીતે કચ્છ પોલીસના પાંચ પોલીસ કર્માચારીઓએ પણ પિસ્તા લૂંટ કેસના આરોપીઓ સાથે મોટી સાંઠગાંઠ ઘડી હાલ ફરાર થઈ ગયા હોવાનું પણ બહાર આવ્યું છે.