મેરાન્યૂઝ નેટવર્ક, સુરતઃ લોકોની જાગૃતિને સલામ મારવી પડે તેવી ઉપરાછાપરી બીજી ઘટના બની છે. ત્રણ-ચાર દિવસ પૂર્વે આઠ વર્ષની એક બાળકીને સાઇકલ પર લઈ જતાં યુવાનને ભરવાડે પકડી પાડ્યો હતો. પાંડેસરા વિસ્તારની આ ઘટનામાં ભરવાડ યુવકની જાગૃતિના કારણે બાળકીનો જીવ બચી ગયો હતો. આવી જ બીજી એક ઘટના સચિન જીઆઇડીસી વિસ્તારમાં બની છે. 4 વર્ષના ભાણેજને ઝાડી-ઝાંખરામાં લઈ ગયેલા દૂરના મામા બાળક સાથે દુષ્કર્મ કરે તે પૂર્વે જ ત્રણ યુવાનો ત્યાં પહોંચી ગયા હતા. આ રીતે આ બાળક પણ લોકોની જાગૃતિના કારણે મોતના મુખમાં ધકેલાતો બચી ગયો હતો.

ઊન ગામમાં રહેતા અને ડાઇંગ મિલમાં નોકરી  કરતા એ યુવાનને બે પુત્રો છે. એક પુત્ર  સાત વર્ષનો અને નાનો પુત્ર ચાર વર્ષનો. જે બન્ને તા. 16-10-18ના સવારે સાડા દસ વાગ્યે ઘર નજીક રમતા હતા. બપોરના પોણા બાર વાગ્યે નાના પુત્રને લઈ કાસમબાપુ આ યુવાનના ઘરે પહોંચ્યા હતા. જેમણે કહ્યું આ તમારો પુત્ર છે. જેને તમારો સંબંધી અમરજિતસિંહ  અરવિંદસિંહ રાજપૂત (ઉ.વ.22) ઝાડી ઝાંખરામાં લઈ ગયો હતો. જ્યાં તેના પર દુષ્કર્મ કરે  તે પૂર્વે જ તેને ત્રણ યુવાનોએ પકડી પાડ્યો હતો.

કાસીમબાપુની આ વાત સાંભળી બાળકના પિતાના પગ  તળેથી ધરતી સરકી ગઈ હતી. દૂરના મામાએ આ અધમ કૃત્ય કરવાની તૈયારી  કરી હોવાની વાત તેના માટે આઘાતરૂપ હતી. અમરજિતસિંહ પૈસા આપવાની લાલચે 4 વર્ષના બાળકને ઝાડી-ઝાંખરામાં લઈ ગયો હતો. જ્યાં તેના કપડાં કાઢી કોથળા  પર સૂવડાવી દીધો હતો. બરોબર તે વખતે મોહંમદ નૂરમહંમદ શરીફ, રાશિદ અને કાસીમબાપુ ત્યાં પહોંચ્યા હતા અને અમરજિતસિંહને પકડી પાડ્યો હતો. આ અંગે રાજીવ રાજપુત નામની વ્યક્તિએ પોલીસ કન્ટ્રોલરૂમમાં 100 નંબર ઉપર ફોન કર્યો હતો. જેથી પોલીસ આવી પહોંચી અને અમરજિતસિંહને પોલીસના હવાલે કર્યો હતો.

જ્યારે અમરજિતસિંહ આ બાળકને લઈ ઝાડી ઝાંખરા તરફ જઇ રહ્યો હતો ત્યારે ત્યાં બેસેલા ત્રણેય જણાએ અમરજિતસિંહને પૂછ્યું હતું કે આ બાળકને લઈને ક્યાં જાય છે, તો અમરજિતસિંહે કહ્યું બાળકને બાથરૂમ જવું છે એટલે બાથરૂમ કરાવવા લઈ જાઉં છુ. આમ છતાં ત્રણેયને શંકા જતાં તેનો પીછો કર્યો ને મોટી ઘટના બનતી અટકી હતી.