મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં સુરતમાં ઍકનું મોત થયું છે અને સાત કેસ પોઝિટિવ આવ્યા છે ત્યારબાદ છેલ્લા બે દિવસમાં સુરત માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. બે દિવસમાં સુરતમાં કોઈ પોઝિટિવ કેસ આવ્યો નથી, આજે પર્વત પાટિયાના પોઝિટિવ કેસ ધરાવનારા વેપારીના પુત્ર સહિત ત્રણ જણાનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રઍ હાશકારો અનુવ્યો છે. આ ઉપરાતં આજે વધુ સાત શંકાસ્પદ દર્દી સિવિલ હોસ્પિટલ સહિતની અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે તમામ મહિલાઓ છે.

કોરોના વાયરસના શંકાસ્પદ દાખલ કરવામાં આવેલા દર્દીમાં પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતા ૪૦ વર્ષીય મહિલાને સેલબી હોસ્પિટલમાં, મોટા વરાછાની ૮૦ વર્ષીય વૃધ્ધાને સ્પાર્કલ હોસ્પિટલમાં,, પીપલોદની ૧૪ વર્ષીય કિશોરીને નવી સિવિલ હોસ્પિટલમાં, કતારગામની ૭૦ વર્ષીય વૃધ્ધાને યુનિક હોસ્પિટલમાં,  પીપલોદની ૫૦ વર્ષીય આધેડ મેટાસ હોસ્પિટલમાં, અડાજણની ૮૦ વર્ષીય વૃધ્ધાને બાપ્સ હોસ્પિટલમાં, વેસુની ૨૧ વર્ષીય યુવતીને મેઈટરિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  આ તમામ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાને કારણે તંત્ર માટે ચિંતાનો વિષય છે. 

 પવર્ત પાટીયા વિસ્તારમાં રહેતા એક વેપારીનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. પરિણામે તેના પુત્રનો રિપોર્ટ કરાવાયો હતો. જેનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ નિરાંતનો દમ લીધો હતો. વેપારીના પુત્ર સહિત ત્રણ જણાના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં સુરતમાં પોઝિટિવ કેસ સાત, નેગેટિવ કેસ ૫૭ અને ૬ કેસ પેન્ડિંગ છે.

સિવિલ હોસ્પિટલમાં તકેદારીના ભાગરૂપે સોશિયલ ડિસ્ટન્સ રાખવાનો પ્રયાસ

બે દિવસથી કોરોના વાયરસના પોઝિટિવ દર્દીમાં વધારો નહીં થતા તંત્રે હાશકારો અનુભવ્યો છે. તો બીજી બાજુ નવી સિવિલ હોસ્પિટલમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે હેતુથી  દરેક જગ્યાઍ સર્કલ બનાવવામાં આવ્યાં છે. જેથી લોકો તેના સર્કલમાં ઉભા રહી શકે.

સિવિલ હોસ્પિટલમાંથી મળતી વિગત મુજબ  હોસ્પિટલની તમામ ઓપીડી, લેબોરેટરી, કેસ બારી અને દવા બારી સહિતના વિભાગ બહાર  સર્કલ બનાવાયાં છે. કોરોના વાઇરસથી બચવા હોસ્પિટલ તંત્રનો પ્રયાસ છે. સિક્યુરિટી ગાર્ડના જવાનોએ દર્દીને ગોળાકારમાં ઊભા રાખવાની જવાબદારી ઉપાડી છે. સર્કલની બહાર ગયા તો ગેટ બહાર જશો ઍ જ ઍક છેલ્લો રસ્તો અખત્યાર કરવામાં આવી રહ્યો હોવાથી લોકો પણ નિયમનું પાલન કરી રહ્યા છે.

હોમ કોરોન્ટાઈનના ભંગના મામલે બે સામે ગુનો દાખલ

હોમ કોરોન્ટાઈનનો ભંગ કરવા મામલે વધુ બે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વરાછા અને કાપોદ્રા વિસ્તારમાં રહેતા બંને જણા વિદેશથી આવ્યા હોવાથી પાલિકા દ્વારા તેમને ૧૪ દિવસના હોમ કોરોન્ટાઈનમાં રહેવા માટે કહેવામાં આવ્યું છતાંયે બંને જણા ઘરની બહાર ફરવા માટે નીકળી પડતા પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા બંને જણા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

વરાછા પોલીસના જણાવ્યા મુજબ ઍ.કે.રોડ શ્યામનગર સોસાયટીમાં રહેતા રાહુલ પ્રકાશ શાહ ઈન્ડોનેશિયાથી આવ્યો હોવાથી તેના સહિત પરિવારને ૧૪ દિવસ માટે હોમ કોરોન્ટાઈન રહેવા માટે કહ્યું હતું.  રાહુલે ઘરની બહાર નિકળી હોમ કોરોન્ટાઈનના જાહેરનામાનો ભંગ કર્યો હતો. જયારે બીજા કેસમાં કાપોદ્રા પોલીસે જણાવ્યું હતું કે કાપોદ્રા નીલકમલ સોસાયટીમાં રહેતા જયેશ જીવરાજ ગાંગાણી (ઉ.વ.૨૨) અભ્યાસ કરે છે. જયેશ વિદેશથી આવ્યો હોવાથી તેને પણ હોમ કોરોન્ટાઇન રહેવાનું કહેવાયું હતું. જેનો ભંગ કરવા બદલ તેની સામે પણ ગુનો નોંધાયો છે.