મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરત કોર્ટે દુષ્કર્મ અને હત્યાના કેસમાં શખ્સને ફાંસીની સજા સંભળાવી છે. આ આરોપીએ દસ વર્ષીય દીકરીને પાંડેસરા વિસ્તારથી વડાપાઉં આપવાની લાલચે તેને લઈ ગયો હતો. જેના સીસીટીવી સહિતના પુરાવા પોલીસને મળ્યા હતા. પોલીસે આ તમામ પુરાવાઓ સાથે કોર્ટમાં સક્ષમતાથી આરોપીને સજા થાય અને દીકરીને ન્યાય મળે તેવા પ્રયત્નો કર્યા હતા અને આખરે આજે કોર્ટે સજા સંભળાવી છે.

સુરતમાં પાંડેસરા વિસ્તારમાં દસ વર્ષની એક બાળકી પર દુષ્કર્મ આચરી તેના માથામાં ઈંટો મારીને શખ્સે તેને મોતને ઘાટ ઉતારી હતી. તે બાળકી પોતાના કાકાના ઘર પાસે રમતી હતી. ત્યારે દિનેશ બૈસાણે નામના શખ્સે તેને વડાપાઉં આપવાની લાલચ આપી અને ત્યાંથી તે તેને પોતાની સાથે લઈ ગયો હતો. જેટલું સીસીટીવીમાં દેખાય છે. તે પછી તેણે તે બાળકી પર દુષ્કર્મ કર્યું, જોકે બાળકીએ તેનો પ્રતિકાર કર્યો તો શખ્સે તેને ઈંટના ઘા માથામાં મારી તેની હત્યા કરી નાખી હતી. પોલીસે હત્યા, અપહરણ, પોક્સો અને દુષ્કર્મ સંદર્ભે કલમો અંતર્ગત તેની સામે ગુનો નોંધ્યો હતો.

પોલીસે આ અંગેની યોગ્ય તપાસ અને પુરાવાઓ એકત્ર કરી કોર્ટમાં આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. જજ એન એ અંજારિયાની કોર્ટમાં આજે કોર્ટ સજા સંભળાવવાની હતી. કોર્ટ દ્વારા આ ઘટનામાં તે શખ્સને દોષિત માનવામાં આવ્યો હતો. કોર્ટે દોષિત શખ્સને ફાંસીની સજા સંભળાવી હતી.