મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ પાંડેસરા ડી-માર્ટની પાછળ મોહનગર પાસે સોમવારે વહેલી સવારે પ્લોટના ડખ્ખામાં માથાભારે ફાયનાન્સર રાજનસિંગને ચપ્પુના ઘા મારી રહેંશી નાંખવામાં આવ્યો હતો. પ્લોટના કબજા મામલે થયેલા ઝઘડામાં આ હત્યા થઈ હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જાણવા મળી રહ્યું છે.

પાંડેસરા પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પાંડેસરા ડી-માર્ટની સામે આશિષનગર સોસાયટીમાં રહેતા ફાયનાન્સર રાજનસીંગ રાજપુત પાંડેસરા વિસ્તારમાં માથાભારે હોવાની છાપ ધરાવતો હતો અને પ્લોટના કબજા ઉપર ફાયનાન્સ કરવાની સાથે કબજા કરવાનું કામ કરતો હતો.  પ્લોટના ગેરકાયદે કબજાને લઈને અનેક સાથે માથાકુટ ચાલતી હતી. રાજનસિંગૉસોમવારે વહેલી સવારે ડી- માર્ટની બાજુમાં ખાડી પાસે મોહનનગર પાસે હતો ત્યારે ચારેક અજાણ્યાઓ તેની સાથે ઝઘડો કરી ગળા સહિત શરીરના ભાગે ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાસી ગયા હતા. 

બનાવની જાણ થતા પાંડેસરા પીઆઈ ઍ.પી.ચૌધરી સ્ટાફના માણસો સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. રાજનસીંગની હત્યા નાણાની લેતીદેતી મામલે કે પછી પ્લોટના ડખ્ખામાં કરવામાં આવી હોવાની આશંકા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં રાજનસીંગની હત્યા ચંદન અને રોશને સાગરીતો સાથે મળી કરી હોવાનું બહાર આવતા સર્વલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી હત્યારાઓને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે. વધુમાં સુત્રોના જણાવ્યા મુજબ રાજનસિંગ પ્લોટ ઉપર ફાયનાન્સનો ધંધો કરતો હતો અને સોનલ ઈન્ડસ્ટ્રીઝ પાસે તેની બેઠક હતી.