મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ ચિતાની આગમાં ખાખ થવા અને માટીમાં દફન થવા કરતાં કોઈ અન્ય જીંદગીનો ધબકાર બનવાનું સૌભાગ્ય અને સમજ ઘણા ઓછા વ્યક્તિઓને છે. સુરતમાં એક પરિવારે પોતાના વડીલ સ્વજનના બ્રેઈનડેડ થયા બાદ કરેલા આ નિર્ણયને પગલે બીજી સાત જીંદગીઓમાં તેઓ વસી ગયા હતા. પરિવારની આ ઉમદા કામગીરીએ અન્ય સાત પરિવારમાં આનંદની લહેર લાવી દીધી છે.

કોળી પટેલ સમાજના બ્રેનડેડ ઇલાબેન નીતિનભાઈ પટેલના પરિવારે તેમનાં હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.

1610 કિલોમીટરનું અંતર 180 મીનિટમાં કાપ્યું

સુરતથી ચેન્નાઈનું ૧૬૧૦ કિ.મીનું અંતર ૧૮૦ મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ દિલ્હીની ૧૫ વર્ષીય વિદ્યાર્થીનીમાં ચેન્નાઈની MGM હોસ્પીટલમાં તેમજ ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની ૬૧ વર્ષીય મહિલામાં ચેન્નાઈની એપોલો હોસ્પીટલમાં કરવામાં આવ્યું. 

દાનમાં મેળવવામાં આવેલી બન્ને કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીમાં નિયમાનુસાર અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) માં ડૉ.પ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૩૬૯ કિડની, ૧૫૦ લીવર, ૭ પેન્ક્રીઆસ, ૨૮ હૃદય, ૬ ફેફસાં અને ૨૭૨ ચક્ષુઓ કુલ ૮૩૨ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૭૬૬ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.