મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: કોરાનાને કારણે સમગ્ર દેશનું જનજીવન ખોરવાઈ ગયુ છે,જેમાં જેલમાં રહેલા કેદીઓના જીવન અને રોજબરોજનના કામ ઉપર પણ થઈ છે,જેલોમાં પણ સંક્રમણ વધ્યુ હોવાને કારણે પ્રતિબંધીત જેલમાં વધુ નિયંત્રણો લાદી દેવામાં આવ્યા છે, વિવિધ જેલોમાં કેદીઓ અભ્યાસની સાથે વિવિધ પ્રવૃત્તીઓ કરતા હોય છે જે નિયંત્રણોને કારણે લગભગ બંધ થઈ ગઈ છે,પરંતુ સુરતની મધ્યસ્થ લાજપોર જેલ દ્વારા જેલમાં અભ્યાસ કરતા પોતાના કેદીઓનો અભ્યાસ અટકે નહીં તે માટે સામાજીક સંસ્થાની મદદ લઈ ઓનલાઈન અભ્યાસ શરૂ કરાવ્યો છે, ભારતની આ પહેલી જેલ છે જયા ઓનલાઈન અભ્યાસ શરૂ થયો છે.

અમદાવાદ સાબરમતી જેલ પછી ગુજરાતની સૌથી મોટી જેલમાં સુરતની જેલ આવે છે, કોઈ પણ કારણસર જેલમાં આવી ગયેલા કેદી જયારે પોતાની સજા પુરી કરી સમાજમાં પાછા ફરે ત્યારે જીવનને એક નવી દિશા મળે તેવા પ્રયાસો જેલ વિભાગ અને વિવિધ સામાજીક સંસ્થાઓ કરતી હોય છે આ જ પ્રકારે લાજપોર જેલમાં આવી અનેક પ્રવૃત્તીઓ ચાલે છે,, પરંતુ કોરાના સંક્રમણના ડરને કારણે ગુજરાતની તમામ જેલમાં આ પ્રકારની પ્રવૃત્તીઓ ઉપર રોક લાગી ગઈ હતી, લાજપોર જેલના સુપ્રીટે્ન્ડ્ટ મનોજ નીનામા દ્વારા કોરાના દરમિયાન પણ જે કેદીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમનો અભ્યાસ બગડે નહીં તેની ચીંતા કરવામાં આવી હતી.

અગાઉની વ્યવસ્થા પ્રમાણે સુરતની એલડી હાઈ્સ્કુલના શિક્ષકો જેલમાં આવી કેદીઓને અભ્યાસ કરાવતા હતા પણ કોરાનાને કારણે હવે તેઓ જેલમાં આવી શકે તેમ નથી આથી સુપ્રીટેન્ડટ મનોજ નીનામાએ એલડી હાઈસ્કુલ અને પીપી સવાણી ટ્ર્સ્ટના મહેશ સવાણીની મદદ લઈ જેલમાં ચાલી રહેલો અભ્યાસ ઓનલાઈન શરૂ કરાવ્યો હતો, આમ લાજપોર જેલ ભારતની પ્રથમ જેલ છે જયા કોરાના દરમિયાન પણ કેદીઓ અભ્યાસ કરી રહ્યા છે ઓનલાઈન અભ્યાસ શરૂ કરવા માટે લાજપોર જેલમાં તમામ નિયમોને ધ્યાનમાં રાખી એક વિશેષ કાર્યક્રમ પણ યોજાયો હતો.