મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલી આઈ.આઈ.એફ.એલમાં ૨૦૧૭માં થયેલી રૂ. 2 કરોડની લૂંટ કેસમાં પોલીસને હાથતાળી આપી રહેલા એક આરોપીને ગુજરાત એ.ટી.એસ.ની ટીમે જહાંગીરપુરાના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લીધો હતો અને તેનો કબજો ચીખલી પોલીસને સોપવાની તજવીજ હાથ ધરી છે.અગાઉ આ કેસમાં રાંદેર અને ઓલપાડના ત્રણ જણા ઝડપાઈ ચુક્યા છે.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ,૨૦૧૭માં સપ્ટેમ્બર મહિનામાં નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલી આઈ.આઈ.એફ.એલ.ગોલ્ડ ધિરાણ કરતી ઓફિસમાં ચાર જણા પિસ્તોલ અને છરા લઇને ઘુસી ને લોકર અને તિજોરીમાંથી જુદા જુદા સોનાના દાગીનાના પેકેટ જેની કિંમત રૂ.2 કરોડ થાય છે તેની લૂંટ કરીને ચારેય ભાગી ગયા હતા.

આ કેસમાં ચીખલી પોલીસે જે તે સમયે ઓલપાડ અને રાંદેરના કુલ ચાર લૂંટારુઓને પકડી લીધા હતા અને એક બશીરખાન વોન્ટેડ હતો અને પોલીસથી ભાગતો ફરતો હતો.

દરમિયાન ગુજરાત એ.ટી.એસ.ના પોલીસ ઇન્સ્પેક્ટર ચેતન જાદવને બશીરખાન અંગે માહિતી મળી હતી.જેને આધારે પી.આઈ.જાદવ અને પી.એસ.આઈ.મિતેશ ત્રિવેદીની એક ટીમ સુરત આવી હતી અને જહાંગીરપુરા આશારામ આશ્રમ બસ સ્ટેન્ડ પાસે પોલીસે વોચ ગોઠવી હતી અને ત્યાં આવેલા બશીરખાન ઉર્ફે કાલીયા ઉર્ફે પાસા ઇકબાલખાન પઠાણ રહે જુમ્મા મસ્જીદ વરીયાવએ કોર્ડન કરીને પકડી લીધો હતો.એ.ટી.એસની ટીમે તેનો કબજો ચીખલી પોલીસને સોપવાની તજવીજ હાથ ધરી છે.