મેરાન્યૂઝ નેટવર્ક, સુરત: અમદાવાદ બાદ હવે સુરત કોરોનાનું હોટ સ્પોટ બન્યું છે ત્યારે તંત્ર દ્વારા કેવી બેદરકારી રાખવામાં આવી રહી છે તેનો કિસ્સો સુરતના અમરોલી વિસ્તારમાં જોવા મળ્યો છે. જ્યાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના એક કર્મચારીએ કોરોના બાદ મોતના પાંચ દિવસ પછી ફોન કરીને પુછ્યું કે હવે દર્દીની તબિયત કેવી છે?

ઘટનાની જાણવા મળેલી વિગત અનુસાર સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા આધેડ વયના ઇશ્વરભાઇ પટેલને કોરોનાગ્રસ્ત થતાં ગત 27 જુલાઇના રોજ  સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. આ દરમિયાન 2 ઓગસ્ટના રોજ તેમનું મોત થયું હતું. ઇશ્વરભાઇ પટેલના મૃત્યુના પાંચ દિવસ થયા હતા અને પરિવાર શોકમાં ગરકાવ હતો ત્યાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી ફોન આવ્યો કે હવે દર્દીની તબિયત કેવી છે? આ સાંભળીને મૃતકના દિકરા ભાવિન પટેલને ભારે આંચકો લાગ્યો હતો. કારણ કે તેમના પિતાનું તો પાંચ દિવસ પહેલા જ અવસાન થઇ ચુક્યું હતું. આમ તંત્ર દ્વારા કોરોના મામલે સંકલનમાં કેટલી બેદરકારી રાખવામાં આવી રહી છે તે જણાઇ આવે છે.