મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ શહેરના અઠવા ઝોન વિસ્તારમાં આવેલા સરગમ ટાવર અને કોમ્પ્લેક્ષ અત્યંત જર્જરિત થઇ ગયું હતું. સુરત મહાનગર પાલિકા દ્વારા અવારનવાર ટાવરમાં રહેતા રહેવાસીઓ અને દુકાનદારોને ખાલી કરવા માટે નોટિસો પણ આપવામાં આવી હતી. પરંતુ મનપાની નોટિસને લોકો ઘોળીને પી ગયા હતા. જેના કારણે આજે સુરત મહાનગર પાલિકાએ લાલ આંખ કરી છે. અઠવા ઝોનની ટિમ આજે સવારે કોમ્પ્લેક્ષ અને ટાવર પર પહોંચી ગઈ હતી. સરગરમાં ત્રણ ટાવરમાં કુલ ૯૬ ફ્લેટ ખાલી કરાવવાની સાથે કોમ્પલેક્ષની તમામ દુકાનો સીલ કરી મનપાએ મિલકત સીલ કરી દીધી હતી.

અઠવા ઝોન વિસ્તારમાં ટી.પી.સ્કીમ નં.પ(ઉમરા-નોર્થ), ફા.પ્લોટ નં.૧૩૫ સરગમ કોમ્પલેમ ટાવર–એ, બી, સી વાળી હાઈરાઈઝ રેસીડેન્સીયલ કમ કોમર્શીયલ બિલ્ડીંગની હાલત જર્જરિત થઇ હગાઈ હતી. દરેક ફલોર પર આવેલ બાલ્કની તથા આર્કીટેકચરલ પ્રોજેકશનવાળા ભાગમાં આર.સી.સી. કોલમ, બીમ, સ્લેબ તથા ચણતરવાળા ભાગમાં તિરાડ સાથે ગાબડા પડી ગયા હતા એટલું જ નહિ સળિયા ખુલ્લા થઈને કટાઈ ગયેલી હાલતમાં પણ નજરે પડતા હતા. આખી જ બિલ્ડીંગ જર્જરીત થઇ ગઈ હોવાના કારણે સને-૧૯૪૯નાં ગુજરાત પ્રોવિન્સીયલ યુ.કોર્પોરેશન એકટની કલમ-૨૬૪ અને ૪૩૮ મુજબ મકાન પડવા સરખો ભાગ ઉતારી પાડવાની અંગેની નોટીસ પાઠવવામાં આવી હતી.

વારંવાર મિલકતના મિલકતદારોને વખતોવખત રીમાઈન્ડર નોટીસ આપવામાં આવી હોવા છતાં તેઓ દ્વારા કોઈપણ પ્રકારની રીપેરીંગની કામગીરી કરવામાં આવી ન હતી. જેને કારણે આખરે તા.૦૪/૦૩/૨૦૧૭ ના રોજ કલમ–૨૬૮ હેઠળ સમગ્ર મિલ્કતમાં વસવાટ ખાલી કરવા બાબતે તમામ મિલકતદારોને નોટીસ આપવામાં આવી હતી. ત્યારબાદ લોકડાઉનના કારણે મિલકતદારો દ્વારા જેનો અમલ નહીં કરતા ફરીથી તા.૧ર/૦૬૨૦૧૭ ના રોજથી વસવાટ ખાલી કરવા બાબતે ફરીથી તમામ મિલ્કતદારોને રિમાઈન્ડર નોટિસ આપવામાં આવી હતી.