મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરતમાં ડાયમંડ વેલ્યુએશનને લઈ કસ્ટમ વિભાગને મોટી કાર્યવાહી હાથ ધરતાં હીરા ઉદ્યોગ હચમચી ગયો છે. સુરતના ડાયમન્ડ બુર્સ સાથે સંકળાયેલા સંચાલકોનું રૂ. 3000 કરોડના રફ ડાયમન્ડનું કન્સાઈન્મેન્ટ અટકી પડ્યું છે. રફ ડાયમન્ડનું ઓવર વેલ્યુએશન મુંબઈના કસ્ટમ વિભાગ દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. આ કંપની અને બુર્સ સાથે સંકળાયેલા સંચાલકો દ્વારા ઓવરવેલ્યુએશન કરીને વિદેશની કંપનીઓથી ભારતમાં આયાત કરાવાતું હોવાનું સામે આવતા કસ્ટમે 7.50 મિલિયન ડોલરની કિંમત ધરાવતા રફ ડાયમન્ડના બે કન્સઈન્મેન્ટ જ સીઝ કરી દીધા છે.

આ કન્સાઈન્મેન્ટમાં રહેલા હીરાઓનું વેલ્યુએશન યોગ્ય ન થતાં થોડા દિવસ પહેલા જ સ્પેશ્યલ કાર્ગો કમિશનરેટની ટીમ દ્વારા મુંબઈ આવતા આ કરોડોના કન્સાઈન્મેન્ટને સીઝ કરી દેવાયા છે સાથે જ હીરા ઉદ્યોગકારના 25 જેટલા પાર્સલ્સ અટકાવીને પુછપરછ પણ કરાઈ હતી. જે પૈકી એકમાં હિરા કરતાં ઓન પેપર વેલ્યુ વધુ દર્શાવાઈ હતી. જે કંપનીના કન્સાઈન્મેન્ટ સીઝ થયા છે તે દેશ-વિદેશમાં 12થી વધુ ઓફીસો ધરાવે છે.

આ રફ ડાયમંડ કૌભાંડને લઈ છેક દિલ્હી સુધીના દરવાજાઓ ખટખટાવાયા છે પણ કસ્ટમ વિભાગ દ્વારા હીરાના રંગ, સાઈઝ, કેરેટ સહિતની માહિતીઓ માગવામાં આવી રહી છે. આટલા મોટા કન્સાઈન્મેન્ટને સીઝ કરાતા સુરતના ડાયમંડ ઉદ્યોગ હચમચી ગયા છે.