મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ  ધારાસભ્ય મોબાઈલની લૂંટ ચલાવનાર ટોળકી પાછળ ૫૦થી ૧૦૦ મીટર દોડ્યા અને પકડી પાડ્યા આ બાબત જાણતાં જ અચરજ તો લાગે જ. કારણ કે મનમાં સવાલ થાય કે ધારાસભ્યને પણ લૂંટવાનો પ્રયાશ થયો?

એક તરફ કામરેજના ભાજપના ધારાસભ્યને ધમકી મળી તે પછી વધુ એક ઘટના સુરતના ધારાસભ્ય સાથે બની જેમાં જહાંગીરપુરા વિસ્તારમાં મોર્નિંગ વોક પર નીકળેલા ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલનો બે ઈસમોએ મોબાઈલ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ધારાસભ્ય અને લોકોએ મળીને બંને ઈસમોને ઝડપી લીધા હતા અને બંને મોબાઈલ સ્નેચરને પોલીસ હવાલે કર્યા હતા. આ ઘટનાઓને પગલે ધારાસભ્યોની સુરક્ષા સંબંધિત બનેલી બંને ઘટનાઓ ખુબ ચોંકાવનારી છે. જ્યારે ચોરો અને ગુંડાતત્વો એટલા બેફામ બન્યા છે કે ખુદ ધારાસભ્ય પણ તેનો શિકાર થઈ રહ્યા છે ત્યાં સામાન્ય લોકોની સ્થિતિ કેવી હશે તે પ્રશ્ન છે.

કામરેજ ભાજપના ધારાસભ્યને ધમકી બાદ ઓલપાડના ધારાસભ્ય સાથે ઘટના બની હતી. સુરતમાં વધુ એક ધારાસભ્ય સાથે સુરક્ષા સંબંધિત ઘટના બની હતી.

સુરતમાં ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ સાથે વાત થઈ તે પ્રમાણે, તેઓ આજે સવારે નિત્યક્રમ પ્રમાણે મોર્નિંગ વોક પર નિક્ળ્યા હતા. દરમિયાન તેઓ પોતાના મિત્રને ફોન કરવા માગતા હતા. તેથી તેમણે ફોન ખિસ્સામાંથી કાઢ્યો. આ સમયે ત્યાં કેટલાક શખ્સો હાજર જ હતા જેઓની તેમના પર નજર હતી. તેમણે મિત્રને ફોન જોડી જેવો કાને લગાવ્યો કે તુરંત પાછળથી બે લવરમુછીયાઓ બાઈક પર આવ્યા અને તેમનો મોબાઈલ ઝૂંટવ્યો. જોકે તુરંત બાબત સમજી ગયેલા મુકેશભાઈએ તેમની પાછળ દોટ લગાવી.

લગભગ ૫૦થી ૧૦૦ મીટર દોડ્યા હશે ત્યાં બાજુમાંથી જતાં એક બાઈક ચાલકને રોકી પેલા શખ્સોનો પીછો કરવા તેની પાછળ બેસી ગયા. હવે લૂંટારૂઓના બાઈક પાછળ ધારાસભ્ય બાઈક પર સવાર થઈ આવી રહ્યા હતા. એક તબક્કે બંને બાઈક એક બીજાની નજીક આવી ગયા અને ધારાસભ્યએ લૂંટારૂઓના બાઈકને જોરથી લાત મારી. અચાનક ધક્કો વાગતાં લૂંટારુઓ બાઈક પર કાબુ કરી શક્યા નહીં અને તેઓ રોડ પર પટકાયા.

રોડ પર જેવા બંને પટકાયા કે ધારાસભ્યએ પોતાના બાઈક ચાલકને બાઈક રોકવાનો ઈશારો કરી તે લૂંટારૂઓ તરફ દોડ્યા અને તેમને પકડ્યા તેથી આજુબાજુના કેટલાક લોકો પણ દોડી આવ્યા અને તેમની મદદ કરીને પોલીસ બોલાવી. આખરે પોલીસ જ્યારે આવી ત્યારે બંને શખ્સોને પોલીસને સોંપવામાં આવ્યા હતા. આ શખ્સો સામે ધારાસભ્યએ ફરિયાદ પણ નોંધાવી છે.

આ ઝપાઝપીમાં ધારાસભ્યને પણ સામાન્ય ઈજા પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા જ કામરેજના ધારાસભ્યને અસમાજીક તત્વોએ છરી બતાવી ધમકી આપી હતી અને આજે આ ધારાસભ્યને પણ લૂંટારૂઓનો ભેટો થઈ ગયો હતો. જેને પગલે હવે ધારાસભ્યોની જ સુરક્ષા સાથે લોકોની પરિસ્થિતિ અંગે પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.