મેરાન્યૂઝ નેટવર્ક.સુરત: ડભોલી વિસ્તારમાં ટ્યુશન કલાસીસથી ઘરે જતી ૧૩ વર્ષીની સગીર વિદ્યાર્થીનીને રાજસ્થાન ભગાડી બળાત્કાર કરનાર આરોપી સામે આજરોજ કેસ ચાલી જતા કોર્ટે તેને કસુરવાર ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા હુકમ કર્યો હતો. સાથે પિડીતાને ત્રણ લાખનું વળતર ચુકવવનો પણ આદેશ કર્યો હતો.

આ કેસની વિગત મુજબ ડભોલીના રહેતી ઍક ૧૩ વર્ષની સગીરા દરરોજ બપોરના સમયે ટ્યુશન ક્લાસ જતી હતી અને સાંજે પાંચ વાગ્યે પરત ઘરે પણ આવી જતી હતી. આ દરમિયાન જૂન ૨૦૧૯ માં સગીરા ટ્યુશન ક્લાસ ઘરે પરત ફરી ન હતી, સગીરાની માતાઍ ટ્યુશન ક્લાસીસ જઇને તપાસ કરતાં સગીરા નીકળી ગઇ હતી પરંતુ તે ઘરે પહોંચી ન હોવાનું ધ્યાન પર આવ્યું હતું. સગીરા ગુમ થવા અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી.

Advertisement


 

 

 

 

 

બીજી તરફ પોલીસ અને સગીરાના સંબંધીઓએ જાતે મળીને તપાસ કરતા સગીરાને ડભોલી પાસે પાયલ પાર્કિંગના ખુલ્લા પ્લોટમાં રહેતો અને ત્યાંજ ચા નાસ્તાની લારી ચલાવતો ૨૮ વર્ષીય દિનેશ ઉર્ફે રાજુ ચુનારામ ભીલ લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો. સગીરા અને દિનેશ બંને રાજસ્થાનથી મળી આવ્યા હતા, પોલીસે સગીરાનું મેડીકલ પરીક્ષણ કરાવ્યું હતું, આ સાથે જ આરોપી દિનેશને જેલમાં મોકલી આપ્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાઍ દલીલો કરીને આરોપીને વધુમાં વધુ સજા થાય તેમ જણાવ્યું હતું. કોર્ટમાં ફરિયાદ પક્ષ તરફે મેડિકલ પુરાવો, સીસીટીવી કેમેરા, નજરે જાનારા સાહેદો અને ઍફઍસઍલનાં પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. બંને પક્ષોની દલીલો બાદ આરોપી દિવ્યેશને બળાત્કારના ગુનામાં તકસીરવાન ઠેરવી હતી અને ૨૦ વર્ષની સજાનો હુકમ કર્યો હતો. આ ઉપરાંત કોર્ટે ૧૩ વર્ષની પીડિતાને રૂપિયા ત્રણ લાખનું વળતર આપવા માટે પણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને આદેશ આપ્યો હતો.