મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ વાત સુરતની હોય, રાજકોટની હોય કે અમદાવાદની. જ્યારે પણ કોઇ તોફાની ટોળું રસ્તા પર ઊતરે ત્યારે પથ્થરો ખાવામાં સામા પક્ષે હંમેશા પોલીસ જ હોય છે. ત્યારે પ્રશ્ન એ ખડો થાય છે કે પોલીસનો વાંક શું? ગુનો શું? ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેથી જ્યારે કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યું ત્યારે આ પ્રશ્ન વાંક શું ગુનો શું એ પ્રચલિત થયો હતો. આ વાત પોલીસને પણ એટલી જ લાગુ પડે છે. જેની આપણે વિસ્તારથી વાત કરીશું.

હાલ પરપ્રાંતી શ્રમિકોનો પ્રશ્ન છે. જેથી પહેલા આ મુદ્દાની વાત કરીએ. શ્રમિકોને પૂરતું ભોજન મળતું નથી, તેમની પાસે પૈસા નથી અને તેમને વતન જવું છે. આ ત્રણેય સમસ્યામાંથી એક પણ સમસ્યામાં પોલીસને સીધી રીતે કોઈ લેવા દેવા નથી. આમ છતાં પોલીસે માનવતા દાખવી હજારો શ્રમિકોના ભોજનની વ્યવસ્થા દિવસો સુધી કરી. આ ત્રણેય સમસ્યા દૂર કરવાની જવાબદારી સરકારની અને સરકારના પ્રતિનિધિ તરીકે કલેક્ટર તેમજ સુરત મહાનગરપાલિકાના કમિશનરની છે. સુરત મહાનગરપાલિકા તરફથી લાખો શ્રમિકોના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હોવાની વિગતો જે તે સમયે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની જાહેર કરતા હતા. હવે વાત કરી શ્રમિકોને વતન મોકલવાની અને તેમની પાસે પૈસા નથી તો શું કરવું. આ બન્ને પ્રશ્નોનો નિવેડો સરકારના પ્રતિનિધિ તરીકે ખરેખર તો કલેક્ટરે લાવવો જોઇએ. પણ, કોઇ કારણોસર લગભગ દોઢ મહિના જેટલા લાંબા સમયમાં આ શક્ય ન બન્યું. પરિણામે પરપ્રાંતી શ્રમિકોની ધીરજ ખુટી અને યુવાનો રસ્તા પર આવી ઘર્ષણ કરવા લાગ્યા.

હવે મૂળ વાત, આ ત્રણેય સમસ્યામાંથી એક પણ સમસ્યાના નિરાકરણ માટે પોલીસને સીધી રીતે કાંઇ કરવાનું નથી. પણ, પોલીસે કાયદો અને વ્યવસ્થાનું ચુસ્ત પાલન કરાવવાનું છે. જેથી તોફાને ચડેલા ટોળાંને શાંત કરવા રસ્તા વચ્ચે પોલીસ સિવાય કોઇ પણ સરકારી કર્મચારી કે અધિકારી જોવા ન મળે એ સહજ છે. તેવી સ્થિતિમાં કાંઈ પણ વાંક કે ગુના વગર પથ્થરો પોલીસે ખાવા પડે છે. આ પરંપરા ખૂબ જૂની છે. તોફાની તત્ત્વો કોઇ પણ જગ્યાએ અને કોઇ પણ સમયે જ્યારે તોફાન કરે છે ત્યારે એ સમસ્યા પાછળ જવાબદાર કોઇ પણ સરકારી અધિકારી કે કર્મચારી હોય તેને કાંઈ આંચ પણ આવતી નથી. પથ્થરો તો પોલીસે જ ખાવા પડે છે.

અમરેલી જિલ્લાના જાફરાબાદમાં ખલાસીઓને પગાર ન મળવાના કારણે લોકો તોફાને ચડ્યા અને પોલીસ પર પથ્થરમારો કર્યો. તે ઘટનામાં પણ પોલીસે કાંઇ લેવા દેવા ન હોવા છતાં પથ્થર ખાવા પડ્યા છે. આવી એક નહીં પણ અનેક ઘટના છે જેમાં પોલીસને કાંઇ લેવા દેવા ન હોવા છતાં પથ્થરો પોલીસે જ ખાવા પડે છે. ત્યારે લોકો પણ સમસ્યાના મૂળ સુધી અભ્યાસ કરે. આ સમસ્યા પાછળ જવાબદાર કોણ છે એ જાણે અને જે જવાબદાર હોય તેની સામે કાયદાનો દંડો ઉગામે તે અત્યંત આવશ્યક છે.