મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ શંકાશીલ વ્યક્તિને કદી પણ શુદ્ધ પ્રેમ પ્રાપ્ત થતો નથી એ વાત સુરતના એક કિસ્સામાં સાચી ઠરી છે. પ્રેમિકા સાથે લગ્ન કર્યા પછી પણ તેના ચારિત્ર્ય પર શંકા રાખી, પુત્રનો જન્મ થયો તો તે પોતાનો પુત્ર ન હોવાના વહેમમાં સગા પુત્રની હત્યા કરી. પરિણામ એ આવ્યું કે આજીવન કેદની સજા ભોગવવાનો વખત આવ્યો.

આજથી ચાર વર્ષ પૂર્વે એટલે કે તા. 12-3-2017ના રોજ પરવટ ગામના ખાડી ફળિયામાં હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં માસૂમ પુત્રની તેના પિતાએ જ હત્યા કરી હતી. જે કેસ કોર્ટમાં ચાલી જતાં આખરે હત્યારા પિતાને આજીવન કેદની સજા ફટકારતો હુકમ એડિશનલ સેશન્સ જજ અદ્વેત વ્યાસે ફરમાવ્યો હતો.


 

 

 

 

 

પરવટ ગામના ખાડી ફળિયામાં રહેતા સંજય સુમન ચૌધરીએ સોનલ નામની તેની પ્રેમિકા સાથે લગ્ન કર્યા હતા.લગ્ન બાદ આ દંપતીને ત્યાં પુત્રનો જન્મ થયો હતો. એલેક્ષ નામનો આ પુત્ર પોતાનો ન હોવાનો શંકાનો કીડો સંજયના મગજ પર સવાર થઈ ગયો. જેથી તેણે તા. 12-3-2017ના રોજ માસૂમ પુત્ર એલેક્ષ ગાઢ નિદ્રામાં હતો તે વખતે સોનલ દૂધ લેવા ગઈ અને સંજય ઘરે એકલો જ હતો. ત્યારે સંજયે અલેક્ષનું ગળું ચપ્પુ વડે કાપી નાખ્યું હતું. પોતે પણ હાથમાં ચપ્પુના ઘા મારી લીધા હતા. લોહી લુહાણ હાલતમાં તે ખાટલા નીચે છુપાઈ ગયો હતો.

દૂધ લઈ ઘરે પરત આવેલી સોનલે આ દૃશ્યું જોયું. હૈયું હચમચી જાય તેવા આ દૃશ્ય પાછળ પોતાના પતિનો જ હાથ હોવાનું જાણતા તે ભાંગી પડી હતી. આખરે મામલો લિંબાયત પોલીસ મથકમાં પહોંચ્યો હતો. પોલીસે પુરતા પુરાવા કોર્ટમાં રજૂ કર્યા હતા. સરકારી વકીલ દિગંત તેવારે કરેલી રજૂઆત અને પુરાવાને ધ્યાને લઈ એડિશનલ સેશન્સ જજ અદ્વેત વ્યાસે સંજયને આજીવન કેદ અને રૂ. 1 હજાર દંડનો હુકમ ફરમાવ્યો હતો.