મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ હિરાના વેપાર માટે સુરત જાણિતું છે, ગુજરાતમાં જ નહીં દેશ દુનિયામાં. જોકે હાલ વાત હિરાના ઉદ્યોગની નહીં પણ એક રત્નકલાકારની પ્રામાણિક્તાને કારણે એક પરિવારને રસ્તા પર આવી જતું બચી ગયું હતું. સુરતમાં એક વ્યક્તિના રૂપિયા 9 લાખના હિરા ખોવાઈ ગયા હતા. જોકે આટલી મોટી કિંમત ચુકવવામાં પોતે રસ્તા પર આવી જશે તેવો તેમના મનમાં સતત ભય હતો પરંતુ આજના સમયમાં પણ પ્રામાણિક લોકો છે જેમણે હજુ માણસાઈને જીવંત રાખી છે. સુરતના એક રત્નકલાકારને આ હિરા મળ્યા અને તેણે હિરા તેના મૂળ માલિકને આપી દીધા. પણ તેમની આ પ્રમાણિક્તાએ ઘણું મોટું કામ કરી નાખ્યું હતું.

કોઈની વસ્તુ લઈ લેવામાં સમય કેટલો લાગે... કાંઈ જ નહીં, પણ જે વ્યક્તિની તે વસ્તુ છે તે જ જાણે છે કે તેને ગુમાવ્યાનું દુઃખ શું છે અને તેના કારણે તેને શું કિંમત ચુકવવી પડશે.

સુરતના હરેશભાઈ નામના એક વેપારીએ તેમના રૂ. 9 લાખના હિરા વેચવા માટે એક દલાલીનું કામ કરતાં વ્યક્તિને તે આપ્યા હતા. જોકે દલાલી કરનાર વ્યક્તિ કે જેમનું નામ પણ હરેશ છે તેઓ હિરાનું પેકેટ લઈ સુરતના મીનીબજારના પ્રિન્સેસ પ્લાઝામાં આવ્યા હતા પણ ત્યાં તે હીરાનું પડીકું ગુમ થઈ ગયું હતું. હીરા નહીં મળતાં તેમણે ઘણી શોધ કરી પરંતુ તેમને તે ન મળ્યા જેથી તેમણે સોશિયલ મીડિયા પર હીરા ખોવાયાની જાહેરાત કરી.

હરેશભાઈ માટે હિરા ગુમ થવા એ નિશ્ચિત રુપે ચિંતાનો વિષય હતો કારણ કે તે કોઈ મામુલી સસ્તી વસ્તુ ન્હોતી. તે નહીં મળે તો હિરાના મૂળ માલિકને તે હિરાની કિંમત તેમણે ચુકવવાની થતી તે નક્કી હતું. જેના કારણે તેમનું ઘર પણ વેચાઈ જાય અને તેમના પરિવારને ઘણું ચુકવવાનું થતું.

જોકે બીજી બાજુ એક બીજો ઘટનાક્રમ બન્યો ત્યાં રાજેશ નામના એક રત્નકલાકારને આ હિરા મળ્યા. જોકે રાજેશ પોતે પણ રત્નકલાકાર હોવાથી તેને ખબર હતી કે આ હિરા કોઈ વ્યક્તિ માટે કેટલા કિંમતી હોઈ શકે છે. પોતે પણ આ હિરાથી ઘણું કમાઈ શકે તેમ હોવા છતાં પોતાના હૃદયની વાત માની અને પોતાના પ્રામાણિક સંસ્કારોને ભૂલ્યા નહીં. તેમણે નક્કી કર્યું કે આ હિરા તેઓ મૂળ માલિકને પરત કરશે. તેમણે પોતાની રીતે હિરા જેના હોય તેમને શોધવાનું ચાલુ કર્યું. જોકે આ દરમિયાનમાં તેમને પ્રિન્સેસ પ્લાઝાના જ એક વેપારીએ મદદ કરી અને તેમણે મૂળ હીરા દલાલ હરેશભાઈ મળી ગયા. તેમણે જ્યારે આ હિરા પોતાને મળ્યા છે અને તેમણે તેમને સોંપ્યા ત્યારે જ્યારે બધી જ આશાઓ ગુમાવી ચુકેલા હરેશભાઈ તેમની આ પ્રામાણિક્તા જોઈ હરખાઈ ગયા હતા. તેમણે તુરંત રાજેશભાઈનો આભાર વ્યક્ત કર્યો અને તેમના આ કાર્યને અન્યોએ પણ ઘણું વખાણ્યું. કારણ કે હીરાની ચમક અને નોટોની સુગંધ ઘણાને છકાવી દેતી હોય છે પણ આ વ્યક્તિની અંદરનો માણસ હિરાની ચમક જોઈને પણ પોતાની પ્રામાણિક્તાને ભૂલ્યો નહીં.