મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ યુ.કે. લંડનથી એક યુવાનનો સુરત શહેર પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન આવ્યો. સામે છેડેથી વાત કરનારા યુવાનની વાત સાંભળી થોડી ક્ષણો માટે તો પોલીસના શ્વાસ પણ થંભી ગયા. કારણ કે એ યુવાને કહ્યું, સાહેબ, મારી પત્ની સુરતમાં રહે છે. જે આપઘાત કરવા જઇ રહી છે. આ વાત સાંભળી પોલીસે ત્વરિત ગતિએ કાર્યવાહી કરી. પરિણામ એ આવ્યું કે આ પરિણીતાએ આત્મહત્યા કરવાનો વિચાર માંડી વાળ્યો હતો. પોલીસની સારી કામગીરીના દર્શન આ ઘટનામાં જોવા મળ્યા હતા.

પોલીસ કન્ટ્રોલ રૂમના ડાયલ ફ્રી નં. 100 ઉપર તા. 21મીએ ફોન આવ્યો. સામે છેડેથી યુવાને કહ્યું, સાહેબ, મારી પત્ની સુરત રહે છે. તે સુસાઇડ કરવા જાય છે. વીડિયો કોલાં બ્રિજ તથા પાણી બતાવે છે. આ વાત સાંભળતાની સાથે જ પોલીસ કન્ટ્રોલ રૂમના અધિકારીઓએ પળભરના વિલંબ વગર અડાજણ પોલીસને જાણ કરી. અડાજણ પોલીસની ટીમે તાત્કાલિક અસરથી તાપી નદીના તમા બ્રિજ ખૂંદી વળી, ક્યાંયથી આ પરિણીતાની ભાળ મળી નહીં. એ સાથે જ યુવાને સુરતનું જે સરનામું આપ્યું હતું ત્યાં તપાસ કરી તો ત્યાં આ દંપતીની 17 વર્ષીય પુત્રી હાજર હતી. જેણે પોતે તેમની માતા વિશે કાંઈ જાણતી ન હોવાનું કહેતા પોલીસની ચિંતામાં વધીરો થયો હતો.

આટલી પ્રક્રિયા દરમિયાન પોલીસે આ 17 વર્ષીય પુત્રીને પોતાના મોબાઇલ નંબર આપી રાખ્યા હતા. બીજી બાજુ આ પુત્રી પાસેથી તેની માતા ના મોબાઇલ નંબર મળતા તેના આધારે પણ તપાસ જારી રાખી હતી. થોડા સમય બાદ આ પુત્રીનો પોલીસને ફોન આવી ગયો કે તેમની માતા હેમખેમ ઘરે પહોંચી ગઈ છે. એ સાથે જ પોલીસની એક ટીમ તેમના ઘરે પહોંચી હતી. જ્યાં પરિણીતાના ભાઈને સાથે રાખી સમાધાનકારી ચર્ચા કરવામાં આવી હતી. પારિવારિક સમસ્યાના કારણે આ પરિણીતાએ વીડિયો કોલ કરી પતિને પોતે આપઘાત કરવા જઈ રહ્યાનું જણાવ્યું હતું. હવે તે આપઘાત નહીં કરે તેમ આ પરિણીતાએ પોલીસને જણાવ્યું હતું.

આ કામગીરીમાં સી.એમ રાખોલિયા, પી.એમ.બારિયા, બી.એન. સગર, એસ.વી. ચૌધરી, શિવરાજ, ભૂપેન્દ્ર, મનહર, હસુમતીબહેન વગેરેએ તાકીદે સંકલનમાં રહી સફળતા પ્રાપ્ત કરી હતી.