મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સૌરાષ્ટ્રમાં કોરોનાના સંક્રમણમાં વધારો થતા "ચાલો વતન ની વ્હારે" તેવું  "સેવા" સંસ્થા દ્વારા એક આહવાન કરવામાં આવ્યું હતું ત્યારે સુરતથી સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓ અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર-સોમનાથની ટીમ બનાવીને 8 મે ના રોજ અંદાજે 350 થી વધારે કારના કાફલા સાથે સુરતથી "સાત દિવસ વતન ના વ્હારે" સૌરાષ્ટ્ર તરફ જરૂરી દવાઓ અને મેડિકલ સર્જીકલ સામાન સાથે રવાના થઇ હતી. આ દરમ્યાન સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજીભાઈ ભાલાળા, સેવા સંસ્થાના મહેશ સવાણી, લોક સમર્પણ રક્તદાન બેંક પ્રમુખ હરિભાઈ કથીરિયા, પાસ ટીમ વતી ધાર્મિક માલવીયા, અખિલ ભારતીય કુર્મી ક્ષત્રિય મહાસભા વતી પંકજ સિદ્ધપરા, મારુતિ વીર જવાન યુવા ટીમમાંથી કરૂણેશ રાણપરીયા તથા "સેવા" સંસ્થા સાથે જોડાયેલા વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ જોડાયા હતા.

મૂળ સૌરાષ્ટ્રના અને સુરત શહેર માં વસતા સુરત શહેરના નામાંકિત ડૉક્ટર મિત્રો એ પોતાના વતન રહેતા વડીલોની સેવામાં જોડાવા પોતાની અગ્રીમતા બતાવી ત્યારે સેવા સંસ્થાના યુવાનોમાં એક જોમ અને જુસ્સામાં વધારો થયો ત્યારે સુરત શહેરના અગ્રણી ઉદ્યોગપતિ લવજી ડાલીયા (બાદશાહ) દ્વારા ડૉક્ટર મિત્રોને સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે ફલાઈટનો સહયોગ આપવામાં આપ્યો હતો. ત્યારે સુરત થી 9 ડોક્ટરોની ટીમ વહેલી સવારે 7 વાગ્યે સુરતથી સૌરાષ્ટ્ર તરફ રવાના થઇ હતી અન્ય ડોક્ટર મિત્રો 8 મે ના રોજ રાત્રે કાર દ્વારા રવાના થયા હતા. આ તમામ ડૉક્ટર મિત્રોની અલગ અલગ ટીમ બનાવી અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, બોટાદ તરફ રહેલા અલગ અલગ આઇસોલેશન સેન્ટર માં રહેલ દર્દીઓને જરૂરી તબીબી સારવાર અને યોગ્ય માર્ગદર્શન આપીને આ કોરોનની વિકટ પરિસ્થિતિમાંથી ગામડાઓને બેઠા કરશે.

સુરત એરપોર્ટ ખાતેથી સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેનમાં 9 જેટલા ડોક્ટરોની ટીમ તેમજ અન્ય 9 ડોક્ટરો બાય રોડ સેવા આપવા માટે સૌરાષ્ટ્ર પહોંચ્યા છે. કુલ 18 ડોક્ટરો આજે સૌરાષ્ટ્ર પહોંચી કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં જોડાયા છે. નિષ્ણાત ડોક્ટરો સવારે જઈને સાંજે પરત ફરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. સોશિયલ મીડિયા ઉપર "ચાલો માતૃભૂમિનું ઋણ ચૂકવવા" ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ જોડાયા હતા. ગઈકાલે 500 જેટલી ગાડીઓ મિતુલ ફાર્મ ખાતેથી રવાના થઈ હતી.