હરેશ ભટ્ટ (મેરાન્યુઝ.સુરત): રાજ્યના પોલીસ વડા બન્યા બાદ આશિષ ભાટિયાએ રાજ્યની કાયદો વ્યવસ્થાથી લઈ નશીલા પદાર્થો અને જમીન માફિયા-વ્યાજખોરો સામેની કાર્યવાહી કડક હાથે કરાશે તેમ કહ્યું હતું. ગાંધીનગર સ્થિત તેમની કચેરીમાં તેમણે આપેલી એક વિશેષ મુલાકાતમાં તેમણે આ સ્થિતિ સ્પષ્ટ કર્યા બાદ કહ્યું કે હાલમાં રાજ્યભરના જમીન માફિયાઓની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. જમીન માફિયા સામે કડક હાથે કામ કરવા માટે જે નવો કાયદો આવી રહ્યો છે તેનમલ કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. તેમની સાથે થયેલી વાતચિત અહીં પ્રસ્તુત છે.

જમીન માફિયા સંદર્ભે વાત કરતા તેમણે કહ્યું કે,  જમીન માફિયા (લેન્ડ ગ્રેબર) વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેની સામે પાસાનું શસ્ત્ર પણ ઉગામાશે. આ ઉપરાંત પોલીસ જમીન માફિયા વિરુદ્ધ એક કાયદો લાવી રહી છે. જેમાં સજાની જોગવાઇ વધુ છે. ઓછામાં ઓછી દસ વર્ષ અને વધુમાં વધુ 14 વર્ષની સજાની જોગવાઈ છે. આ કાયદા તળે લેન્ડ ગ્રેબરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ રાજ્યભરમાં આવા જે લેન્ડ ગ્રેબરો છે તે તમામની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જમીન માફિયા સામેની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.


 

 

 

 

ડ્રગ્સ અને ગાંજાનાં દૂષણ સંદર્ભે તેમણે કહ્યું કે પોતે ડીજીપી બન્યા બાદ આ દૂષણ દૂર કરવા એક ખાસ ઝુંબેશ શરૂ કરી છે. જેના સંદર્ભમાં રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં કેસ પણ થઈ રહ્યા છે. આ નેટવર્ક સંદર્ભેની જાણકારી એવી છે કે ડ્રગ્સ મુંબઈથી ગુજરાતમાં મોકલવામાં આવે છે. જ્યારે ગાંજો ઓરિસાથી ટ્રેન અથવા ટ્રક મારફતે સુરત લાવવામાં આવે છે. સુરતથી રાજ્યના તમામ વિસ્તારોમાં આ ગાંજો પહોંચાડવામાં આવે છે. આવા ગુનામાં પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ પાસાની કાર્યવાહી તો કરવામાં આવશે જ એ ઉપરાંત આવા આરોપીની મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.

રાજ્યનાં અલગ અલગ શહેરોમાં કેટલાક ગુનામાં પોલીસ અધિકારી અને કર્મચારીની સંડોવણી બહાર આવી છે તે સંદર્ભે વાત કરતા તેમણે કહ્યું કે કોઇ પણ ગુનેગાર સાથે પોલીસની સંડોવણી જણાશે તો તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. જમીનના મામલે જો કોઇ પણ પોલીસ અધિકારી કે કર્મચારીની બિનઅધિકૃત રીતે દખળગીરી ધ્યાનમાં આવશે તો તેની સામે કડક હાથે કામગીરી કરવામાં આવશે.

ગુજરાતની જનતા શાંતિ પ્રિય છે. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસને સહકાર આપી રહી છે. હજુ પણ લોકો પોલીસને સહકાર આપે, નજીકના વિસ્તારમાં કોઇ ગેરકાયદે પ્રવૃત્તિ થતી હોય તો પોલીસને જાણ કરે. પોલીસ ત્વરિત ગતિએ પગલાં ભરશે.