મેરાન્યૂઝ નેટવર્ક. સુરત : સુરતની લાજપોર જેલમાં ગઈકાલે ચેકીંગ દરમિયાન નારાયણ સાઈની બેરેક પાસેથી મોબાઈલ ફોન મળી આવતા પોલીસે નારાયણ સાઈ સહીત 5 આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. લાજપોર ગુજરાતની સૌથી હાઈટેક જેલમાં ગણવામાં આવે છે. આ હાઇટેક જેલમાંથી અવાર નવાર મોબાઇલ ફોન મળી આવવાની ઘટના બનતી હોય છે, ત્યારે ગતરોજ જેલમાંથી ફરી એકવાર મોબાઇ ફોન મળી આવ્યો છે.

આરોપીના બેરેકમાં ટોઇલેટના ડોર પાસેથી 1 મોબાઇલ મળ્યો હતો. આ મોબાઇલ બળાત્કારના ગુનામાં આજીવન કેદની સજા પામેલો નારાયણ સાંઇ સહિત 5 પાકા કામના કેદીઓ ઉપયોગ કરતા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેના આધારે પોલીસે નારાયણ સાંઇ, સુરત ગેંગરેપનો આરોપી તારીક કૂતુબુદ્દીન સૈયદ, અમદાવાદમાં હત્યાનો આરોપી મુસ્તાક આલમ પરમાર, પરેશ ઉર્ફે પાંચા જોગદીયા અને નવીન ગોહિલ સામે ગુનો નોંધ્યો છે.

લાજપોર જેલની ઝડતી સ્કવોડે બેરેકમાં ચેકિંગ કર્યું હતું. ચેકિંગમાં શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. તપાસ કરતા બે બેરેકની વચ્ચે કોમન ટોઇલેટની અંદરના ટોઇલેટની તપાસ કરતા દરવાજા પાસેથી મોબાઇલ મળી આવ્યો હતો. સીમ અને બેટરી સાથે ઢાંકણ વગરનો મોબાઇલ બીનવારસી મળી આવ્યો હતો. પાકાકામનો કેદી નવીન ગોહિલ ફોન પર વાત કરતો હતો. ચેકિંગ આવતા ફોન સંડાસ તરફ ફેંકી દીધો હતો.

બેરેકમાં રહેતા ભુપત ચૌહાણની જેલ સ્ટાફે પૂછપરછ કરતા જણાવ્યું કે, નારાયણ સહિત 5 કેદી 3-4 દિવસથી બિનવારસી મોબાઇલથી વાતચીત કરતા હતા. હાલમાં પાંચેય પાકાકામના કેદીઓને હાઇ સિકયુરિટી યાર્ડના બેરેકમાં મુકી દેવાયા છે. ત્યારે સવાલ એ થાય છે કે  રાજ્યની આટલી મોટી હાઈટેક જેલ માં મોબાઈલ ફોન આવ્યો ક્યાંથી.