મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરત જિલ્લાના કામરેજ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઇ સહીત અન્ય કુલ ૧૦ પોલીસ કર્મચારીઓ સામે એસીબીમાં ગુનો દાખલ થતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. છેતરપિંડીના કેસમાં ગેર કાયદેસર અટકાયત અને ગુનો ન નોંધવા માટે ૧૦ લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી. સમાધાનના અંતે ૩ લાખની લાંચની રકમ નક્કી થઈ હતી. ફરિયાદી દ્વારા ત્રણ મહિના અગાઉ કરવામાં આવેલી ફરિયાદને પગલે એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું પણ તે નિષ્ફળ ગયું હતું. જેથી દસ્તાવેજી પૂરાવા, મૌખિક પૂરાવા, વૈજ્ઞાનિક પૂરાવા, સાંયોગિક પૂરાવાના આધારે ફરિયાદ નોંધાય હતી. એસીબીએ કામરેજ પોલીસ સ્ટેશનના પીઆઇ, ૫ પોલીસ કોન્સ્ટેબલ, ૨ મહિલા એએસઆઇ, અને એક જીઆરડી જવાન, ૧ પુરુષ એએસઆઇ સહિત ૧૦ સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક જ પોલીસ મથકના ૧૦ કર્મચારીઓ હોવાના કારણે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

કામરેજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો દાખલ થયેલ હોવાથી ફરિયાદીના ભાઈને તા.૧૦/૦૯/૨૦૨૦ના રોજ સુરત શહેર વિસ્તારમાંથી આરોપી પોલીસ કર્મચારી જયેશભાઇ, અલ્પેશભાઈ અને દિપકભાઇ કામરેજ પોલીસ સ્ટેશન લઇ ગયા હતાં.ફરિયાદી સાથે પોલીસ સ્ટેશનમાં રૂબરૂ મુલાકાત દરમ્યાન આરોપી પોલીસકર્મીઓએ કેસ પતાવવા બાબતે તથા બલેનો ગાડી, ગુનાના કામે ન બતાવવા માટે તેમજ ફરિયાદીના ભાઈ વિરૂધ્ધ અને છેતરપિંડીના ગુનાઓ ન દાખલ કરવાના અવેજ પેટે પ્રથમ ૧૦ લાખની માંગ કરી હતી. બાદમાં રકઝકના અંતે રૂપિયા ૩ લાખની માંગણી કરાઈ હતી. ૩ લાખનું નક્કી થયા બાદ ૧૩/૦૯/૨૦૨૦ના રોજ સાંજના જમવાનું ટિફિન આપવા આવે ત્યારે રૂપિયા ૧.૨૦ લાખ અને બાકીના બીજા દિવસે આપવા નક્કી થયું હતું. પરંતુ ફરીયાદી લાંચ આપવા માંગતા ન હોય, આરોપીઓ વિરૂધ્ધ તા.૧૩/૦૯/૨૦૨૦ ના રોજ એસીબીનો સંપર્ક કર્યો હતો. બાદમાં ૧૩મીના રોજ લાંચનું છટકુ ગોઠવવામાં આવ્યું હતું.જે લાંચના છટકા દરમ્યાન આરોપી પોલીસકર્મીઓને ગંધ આવી ગઈ હોયતેમ લાંચની રકમ ન સ્વિકારતા છટકું નિષ્ફળ ગયું હતું. એસીબીની પ્રાથમિક તપાસમાં ત્રણ માસ જેટલો સમય લાગ્યો હતો. તપાસના અંતે એકત્રીત થયેલ દસ્તાવેજી પૂરાવા, મૌખિક પૂરાવા, વૈજ્ઞાનીક પૂરાવા અને સાંયોગિક પૂરાવાના આધારે આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ગુનો કરેલ હોવાનું જણાય આવ્યું હતું.લાંચના છટકાના ફરીયાદીના ભાઇને કામરેજ પોલીસ સ્ટેશનમાં ચાર દિવસ સુધી ગેરકાયદેસર અટકાયતમાં રાખ્યો હતો. તેમજ ફરીયાદીના ભાઇને આરોપી કુલદીપદાન બારહટનાકહેવાથી તા.૧૧/૦૯/૨૦૨૦ના રોજ આરોપી અલ્પેશભાઇ, દિપકભાઇ, જયદિપભાઈ અને સાગરભાઇએ ફોર્ચ્યુનર કારમાં ગેરકાયદેસર રીતે અમદાવાદ ખાતે તપાસમાં લઇ ગયા હોવાનું પણ પ્રાથમીક તપાસ દરમ્યાન જણાય આવ્યું હતું.

કોની કોની સામે પોલીસ ફરિયાદ

આ કેસમાં જે.બી.વનાર, પો.ઇ. કામરેજ પો.સ્ટે. (2) અ.પો.કો. જયેશભાઇ જયંતીભાઇ નિરજની (3) અ.પો.કો. અલ્પેશભાઇ મોતીભાઈ દેસાઇ (4) અ.હે.કો. કુલદીપદાન ગંભીરદાન બારહટ (5) અ.પો.કો. દિપકભાઇ હરગોવિદભાઈ દેસાઈ (6) અ.પો.કો. જયદિપસિંહ ગોપાલસિંહ ચૌહાણ (7) એ.એસ.આઇ. ચંદાબેન સુનીલભાઇ પાયાભાઇ વસાવા (8) એ.એસ.આઈ. સુશીલાબેન જયતભાઇ રાવલ (9) એ.એસ.આઇ. સરદારભાઇ ધીરાભાઇ ભગોરા (10) જી.આર.ડી. સાગરભાઇ ભગવાનભાઇ રાડરીયા નોકરી, તમામ કામરેજ સામે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.