મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરતમાં જુવેનાઇલ કોર્ટે એક આવકારગદાયક હુકમ કર્યો છે. છેડતીના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને તકસીરવાન ઠેરવી એક મહિનો સુધી દરરોજ ત્રણ કલાક સુધી વૃદ્ધાશ્રમમાં સેવા આપવાનો હુકમ કર્યો છે. સાથોસાથ આ કિશોરના પરિવારજનોએ બાળ કલ્યાણ ફંડમાં રૂ. 3 હજાર જમા કરાવવાનો પણ હુકમ કર્યો છે. સામાન્ય સંજોગોમાં વૃદ્ધાશ્રમમાં સેવા કરવાનો હુકમ થતો નથી. તેવા સંજોગોમાં આવો હુકમ કરી અન્ય ગુનેગારોને સુધરવાની તક આપવાની વાતને કેન્દ્રમાં રાખી આ હુકમ સમાજ માટે આવકારદાયક રહેશે.
પાંડેસરાના વિસતનગર પાસે રહેતા એક કિશોરે 2016ના વર્ષમાં આ જ વિસ્તારમાં રહેતી એક સગીરાને ચોકલેટ આપવાની લાલચ આપી હતી. આ રીતે સગીરાને એક મેદાનમાં ઝાડી પાસે લઈ જઈ તેનો હાથ પકડી છેડતી કરી હતી. આ દૃશ્ય ત્યાં હાજર અન્ય યુવાન જોઈ ગયો હતો. જેથી કિશોર ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

બીજી બાજુ મામલો પાંડેસરા પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. પોલીસે ગુનો નોંધી આ કિશોરની ધરપકડ કરી હતી. જેને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવ્યો હતો. દરમિયાન જુવેનાઇલ કોર્ટમાં આ કેસ ચાલી જતાં જજે કિશોરને તકસીરવાન ઠેરવી એક વર્ષ સુધી દરરોજના ત્રણ કલાક વેસુ વિસ્તારમાં આવેલા વૃદ્ધાશ્રમમાં સેવા આપવાનો હુકમ ફરમાવ્યો હતો. એ સાથે જ કિશોરના માતા-પિતતાને બાળ કલ્યાણ ફંડમાં રૂ. 3 હજાર જમા કરાવવાનો પણ હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર પક્ષે વકીલ બકુલ પરજિયાએ દલીલો કરી હતી.