મેરાન્યૂઝ નેટવર્ક, સુરતઃ સીમાડામાં 6 જાન્યુઆરીના રોજ મહુવા-જેસરના પાટીદાર પરિવારોના સ્નેહમિલન કાર્યક્રમમાં સુરતના સંયુક્ત પોલીસ કમિશનર હરિકૃષ્ણ પટેલે પાટીદારોને સલાહ આપી હતી કે કોઈ ગુનેગાર પકડાય એટલે ટોળાંના રૂપમાં પોલીસ સ્ટેશને પહોંચી જવું નહીં. પોલીસે બહુ સહન કર્યું છે. જો સંયમ તૂટશે તો મોટી દુર્ઘટના સર્જાશે. સાથે કહ્યું કે સરકારે જેટલું આપવાનું હોય એટલું આપ્યું છે. પાટીદાર આયોગના વડા પાટીદારને બનાવ્યા છે. જે લાભ આપ્યો તે લાવાની વૃત્તિ રાખો. આ બાબતે PAASના સહ કન્વીવર ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે અમે પહેલાથી જ કહેતા આવ્યા છીએ કે તે તો બીજેપીના એજન્ટ છે. આજે મંચ પરથી સરકારના વખાણ કરીને તેઓએ સાબીત કરી નાખ્યું.

સુરતના જોઇન્ટ પોલીસ કમિશનર હરિકૃષ્ણ પટેલે જણાવ્યું હતું કે, પાણી માથા પરથી જાય છે. એટલે એવું લાગી રહ્યું છે કે સાચી વાત કરવી પડશે. એવો માહોલ પેદા કરાયો છે કે જેને પાટીદાર સમાજ માટે જીવન વીતાવી દીધું છે એવા લોકો સાચું બોલવામાં અસલામતી અનુભવે છે. એટલે સાચું બોલવાની શરૂઆત મારે કરવાની છે. મૂળભૂત ભાવના હોય જે બધાને નડતું હોય તેના પર ઉશ્કેરવા લોકોને સરળ હોય છે. જેમ ખેડૂતની ન્યાયપૂર્ણ માંગણીને સમર્થન આપી ખેડૂતને પોતાની તરફ ઢાળી શકાય છે. જે લોકોની માંગણી હોય તેમાં આંદોલનને અવકાશ હોય છે. પરંતુ તેમાં વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવાની જરૂર છે. અમે શહેરના હિતમાં બિન જરૂરી બળપ્રયોગ કર્યો નથી. છેલ્લા એક વર્ષમાં જોતા હશો કે અવાર-નવાર ટોળે વળેલા લોકોને સમજાવવાની કોશિશ કરી છે. લોકોને સરકારી તંત્ર પ્રત્યે, ભ્રષ્ટાચાર પ્રત્યે એક લાગણી હોય છે. એ લાગણીને ઉશ્કેરીને પણ અનામતની લાગણી સાથે પોલીસ વિરુદ્ધ લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવે છે. જે માણસોએ ગુનો કર્યો હોય અને એ માણસને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હોય અને એ કોઈ આંદોલનનો ચોળો ઓઢી લેતા હોય તેના માટે પોલીસ સ્ટેશને ટોળું વળીને આવશો નહીં. કારણ કે જે પ્રકારે પોલીસે સહન કર્યું છે તે કરતા આ વધુને વધુ પોલીસને ઉશ્કેરવાનો પ્રયાસ કરે છે. ક્યારેક સંયમ તૂટશે તો મોટી દુર્ઘટના થવાની સંભાવના છે. કેટલાક માણસો એવા છે જેમ અફઘાનિસ્તાની અને કાશ્મીરમાં પ્રોક્સિવાર લડવા માટે માણસોની જરૂરત પડે, અમુક રાજકીય હિત ધરાવનાર માણસોને અને અમુક આંદોલનમાં હિત ધરાવતા માણસોને એ તાયફા કરવા માટે બેકાર યુવાનોની જરૂર હોય છે. એ બેકાર છોકરા સમાજનું હિત નક્કી કરે એ તમારા સમાજની મોટી દુર્ઘટના હશે.  ચેતી જજો.

તમને મારી વાત સાચી નહીં લાગે પણ આ સમારંભમાં એટલા માટે લેટ આવ્યો કારણ કે હું રંગરેલિયા કરવા માટે ગયો હતો. સોશિયલ મીડિયા પર આધિપત્ય ધરાવનાર માણસો આ વાત કહેશે અને તમે માનશો એના કરતા હું પહેલા કહું કે હું રંગરેલિયા કરવા ગયો હતો એટલા માટે લેટ પડ્યો છું. તમે દરેક વસ્તુની મર્યાદા સમજજો, હું પાટીદાર છું એટલે વહીવટી તંત્ર બધુ સહન કરી લેશે એવું શક્ય નથી. વિવેકની મર્યાદા ન ચૂકાય અને તમારાં સંતાનો જો આમાં કાંઈક ગેરવર્તણુંક કરતા હોય તો તેને રોકવાની કોશિષ કરજો. આંદોલનનો કોઈને વિરોધ નથી. સરકારે જેટલું આપી શકાતું હતું એટલું આપ્યું.પાટીદારના દીકરાને આયોગના વડા પણ બનાવ્યા.આંદોલનની શરૂઆત થઈ ત્યારે તેનું નિરાકરણ શું એ માટે બૌદ્ધોકની બેઠકો થઈ હતી. તેમાં જે સજેશન આવ્યા તેના આધારે જ આયોગની રચના થઈ. જે લાભ આપ્યા તે લેવાની વૃત્તિ કેળવવામાં આવે. આંદોલન વિવેકબુદ્ધિથી ચલાવવામાં આવે તેનાથી સરકાર કે પોલીસને કાંઈ વાંધો નથી.અમે બીજેપીના એજન્ટ નથી.