મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ કોરોના કાળ દરમિયાન અંતિમવિધિને મામલે ભારે ઉહાપોહ રહ્યો હતો. પહેલા પણ ઘણા બનાવોમાં કોઈને કોઈ રીતે ચકચાર મચી ચુકી છે. પરંતુ આ વખત તો હદ જ થઈ ગઈ, એક મુસ્લિમ યુવતીની દફનવિધિને બદલે અંતિમ સંસ્કાર થઈ જતાં પરિવારે ભારે હોબાળો મચાવ્યો છે. કોરોનાની પીડિતા હોઈ પરિવારને તેના અંતિમ દર્શન પણ થઈ શક્યા ન્હોતા. પરિવારે ભારે દુઃખ સાથે અહીં હોબાળો મચાવી મુક્યો હતો.

સુરતમાં સરકારી તંત્રના આળસુ અને બેદરકારીના પુરાવા આપતા ઘણા બનાવો બની ચુક્યા છે. મજુરાગેટ ખાતેની નવી સિવિલ હોસ્પિટલમાં સબાના નામની મહિલા છેલ્લા દસ દિવસથી કોરોનાની સારવાર માટે દાખલ હતી. દરમિયાનમાં સબાનાનું મોત થઈ ગયું. જોકે તંત્ર માટે કોઈનું મોત પણ એક સામાન્ય રોજીંદી બનતી ઘટના સમાન હોય તેમ તેના પરિવારને ત્યારે ખબર પડી જ્યારે તેઓ સવારે હોસ્પિટલ પહોંચ્યા જ્યારે સબાનાનું મોત રાત્રીએ જ થઈ ગયું હતું.


 

 

 

 

 

અહીં સુધી કે તંત્રના અભણોએ સબાના નામની દર્દીનો મૃતદેહ અન્ય હિન્દુ પરિવારને સોંપી દીધો, કોરોનાના દર્દીનો ચહેરો તો જોવા મળતો નથી જેને કારણે તે હિન્દુ પરિવારે પણ પોતાનું સ્વજન સમજી સમ્માન સાથે સબાનાના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા. સબાનાના પરિવારનું કહેવું હતું કે સબાનાના ખરેખર ધર્મ પ્રમાણે અંતિમસંસ્કાર નહીં પણ દફનવિધિ થવી જોઈએ. પરિવાર તંત્રના અભણો પર જોરદાર અકળાયો હતો. તેમણે અહીં ભારે હોબાળો મચાવ્યો હતો.

પરિવારનું કહેવું હતું કે, એક બાજુ સ્વજન મૃત્યુ પામે તો પણ જાણ કરવામાં આવતી નથી, દર્દીનું નામ જાણીને પણ આવી ભૂલ કેવી રીતે શક્ય છે. હોસ્પિટલમાં ખુરશીઓ ઉપર બેસેલાઓ પણ તેમની સાથે વાતચિત કેમ કરવા તૈયાર નથી અને પોલીસ બોલાવાય છે. અમને આજે કહ્યું કે તમારા દર્દીના અશ્વીની કુમારમાં અંતિમ સંસ્કાર થઈ ગયા છે. અરે અમે મુસ્લિમ છીએ તો અંતિમ સંસ્કાર કેવી રીતે થાય. સ્વજન પણ ગુમાવ્યું અને મૃતદેહ પણ નસીબ ન થયો. ઉલ્લેખનીય છે કે, સત્તા આગળ હાલ આ પરિવાર નિઃસહાય બની ગયો છે અને તંત્રના અભણો પર કાર્યવાહીના નામે પણ હાલ મીંડુ જોવા મળી રહ્યું છે. જોકે પોલીસે જ્યારે મધ્યસ્થી કરી ત્યારે તેમની સાથે વાત થઈ પરંતુ તેમાં પણ કોઈ નક્કર પરિણામ આવ્યું નહીં.