મેરાન્યૂઝ નેટવર્ક.સુરત: સમગ્ર વિશ્વમાં શ્રીમંત લોકો જન્મદિવસની ઉજવણી ક્લબ, પાર્ટી હોલ, રેસ્ટોરાં અથવા રિસોર્ટમાં કરતા હોય છે પરંતુ, સુરત શહેરના એક સફળ ઉધોગપતિએ તેમની ૬ વર્ષની પુત્રીના જન્મદિવસની અનોખી ઉજવણી કરી અનેક ચહેરાઓ પર સ્મિત લહેરાવી સાથે સમાજ સમક્ષ પણ એક ઉત્તમ ઉદાહરણ ઉભુ કર્યું છે.

વાત એમ છે કે, શહેરના ભરથાણા વિસ્તારમાં રહેતા ઉદ્યોગપતિ પીનલભાઈ પટેલે તેમની છ વર્ષીય પુત્રી હિવા પટેલનો જન્મદિવસ નવી સિવિલ હોસ્પિટલના બાળકોના વોર્ડમાં ઉજવ્યો હતો. ૧૦૦ જેટલા બાળકોને રમકડાઓ તેમજ ફળોનું વિતરણ કરી તેમના ચહેરાઓના સ્મિતનું કારણ બની હતી આ ૬ વર્ષીય ઢીંગલી. આ સાથે પીનલભાઈએ સિવિલના ટોયઝ રૂમમાં પણ રમકડાઓનું દાન કર્યું હતું. સેવાકીય પ્રવૃતિમાં અગ્રેસર એવા મજુરા મિત્ર મંડળના સભ્યો દિવ્યેશ પટેલ, દેવાંગ પટેલ તેમજ નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.