મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરત શહેર વાસીઓની એક ઓળખ દાનવીરો તરીકે પણ થાય છે. શહેર કે માત્ર રાજ્ય જ નહીં પરંતુ આખા દેશમાં જયારે પણ કોઈ કુદરતી આફત આવી છે ત્યારે સુરતીઓ હંમેશા મદદ માટે તત્પર રહ્યા છે. દરિયાદિલી સુરતમાં દરિયાદિલી બાળકો પણ રહે છે તે આજે બે બાળકોએ સાબિત કરી દીધું હતું. માત્ર છ વર્ષની દીકરીએ પોતાના જન્મ દિવસે પોતાની અને ૧૧ વર્ષના ભાઈની પીગીબેંક ખોલી તેમાં રહેલા ૪૧,૦૦૦ રૂપિયા કોરોનાની સહાય માટે દાન કરી દીધા હતા. આ રૂપિયામાંથી તેના પિતાએ માસ્ક, સેનેટાઇઝર, ઓક્સિમીટર, ગાર્ગલ માઉથ વોશની ખરીદી કરી સુરત સહીત સૌરાષ્ટ્રમાં દાન કરી જન્મદિવસની ઉજવણી કરી હતી.

કહેવત છે કે મોરના ઈંડાને ચીતરવા ના પડે આજ કહેવત સુરતના બે નાના ભૂલકાઓએ સાબિત કરી બતાવી છે. વરાછાના હીરાબાગ પાસે આવેલ હરીશનગર સોસાયટીમાં રહેતા ગૌતમભાઈ સિરોહા મૂળ ડોક્ટર અને ટેક્સટાઇલ વ્યાપાર સાથે સંકળાયેલા છે. કોરોનાની બીજી લહેરમાં ગૌતમભાઈ આઇસોલેશન સેન્ટરમાં ડોક્ટરની સેવા આપી રહયા છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં  સેવા સામાજિક સંસ્થા અંતર્ગત કોરોના દર્દીઓની સારવાર માટે આઇસોલેશન સેન્ટર ચાલી રહયા છે જેમાં ગૌતમભાઈ દર્દીઓની સારવાર માટે સેવા કરી રહ્યા છે. પિતાની આ પ્રકારની સેવા જોઈ તેમના બાળકોને પણ કોઈને કોઈ રીતે સેવા કરવાની ભાવના થઇ હતી. નાની ઉંમરે મોટા વિચારો ધરાવતા ધોરણ છમાં અભયસ કરતા ૧૧ વર્ષના આદિત્ય અને ધોરણ એકમાં અભ્યાસ કરતી તેની છ વર્ષની બહેન અનન્યા એ આખરે સેવા કરવાનું નક્કી કરી લીધું હતું. 

ગત તારીખ ૧૬/૫/૨૦૨૧ના રોજ અનન્યનો જન્મદિવસ હતો. જેથી બંને ભાઈ-બહેને પોતાની પાસે પીગીબેંકમાં જમા કરેલી આખા વર્ષની બચત દાન કરવાનું નક્કી કરી લીધું હતું. બંને ભાઈ-બહેને પોતાના પીગી બેંકમાં જમા થયેલ રૂપિયા કોરોના દર્દીઓની સારવાર માટે ઉપયોગ કરવા તેમના પિતાને વાત કરતા બાળકોની રજૂઆત સાંભળી પિતા પણ ચોંકી ઉઠ્યા હતા. નાની ઉંમરે બાળકોની મોટી વાતો સાંભળી પિતાએ બંને બાળકોને બિરદાવ્યા હતા અને તેમના રૂપિયા કોરોનામાં ઉપયોગ કરવા પ્રેરણા પુરી પાડી હતી. પરંતુ બાદમાં સવાલ એ હતો કે આટલા નાના બાળકોના પીગી બેન્કમાંથી એટલા તો કેટલા રૂપિયા નીકળશે અને એનાથી શું કોરોના દર્દીઓની કઈ રીતની સેવા કરી શકીશું? તેમ છતાં પિતાએ બંને બાળકોનો સેવાનો જુસ્સો ઘટી ન જાય તે માટે બંનેની પીગી બેન્ક ખોલાવી તો તેમાંથી ૪૧,૦૦૦ રૂપિયા નીકળ્યા હતા.બંને બાળકોએ હસતા હસતા આ ૪૧ હજાર રૂપિયા કોરોનામાં સારવાર લઈ રહેલા દર્દીઓને સમર્પિત કરી દીધા હતા.

કઈ રીતે કરી સેવા?

ગૌતમભાઈએ બાળકો દ્વારા આપવામાં આવેલા ૪૧ હજારમાંથી એન૯૫ માસ્ક, સેનેટાઇઝર, ગાર્ગલ માઉથ વોશ, અને ઓક્સિમીટરની ખરીદી કરી હતી. બાદમાં સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં આઇસોલેશન સેન્ટરમાં સારવાર લઇ રહેલા દર્દીઓને તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરત શહેરમાં ૬૦૦ સેટ વિતરણ કર્યા બાદ સૌરાષ્ટ્રના ગામડાઓમાં વધી રહેલા કોરોના કેસોને લઈ સુરતથી સેવા સંસ્થા દ્વારા સૌરાષ્ટ્ર જુદી જુદી ટીમો પહોંચી હતી. જેમાં ગૌતમભાઈ પણ ડોકટર તરીકે ગામડાઓમાં દર્દીઓની સેવા કરવા પહોંચ્યા હતા. જ્યા પોતાના બાળકો દ્વારા આપવામાં આવેલા એન૯૫ માસ્ક, સેનેટાઇઝર અને ગાર્ગલ માઉથ વોશ દર્દીઓને આપવામાં આવ્યું હતા. ભાવનગર, અમરેલી, પાલીતાણા સહીત આજુબાજુના અનેક ગામોમાં માસ્ક, સેનેટાઇઝર અને ગાર્ગલ માઉથ વોશનું વિરાન કરવામાં આવ્યું હતું.