મેરાન્યૂઝ નેટવર્ક.સુરત: ૨૦ દિવસમાં નાણાં ડબલ કરવાની લાલચ આપી લાખો લોકો સાથે રૂ. ૫૨૦ કરોડની છેતરપિંડી કરવાના ગુનામાં સુરત સાઇબર ક્રાઈમ પોલીસની ટીમે બે યુવાનોની ધરપકડ કરી છે. આ અંગે બેંગ્લોર પોલીસમાં ગુનો નોંધાયો હોવાથી પકડાયેલા બન્નેને બેંગ્લોર પોલીસને સોંપી દીધા હતા. આ ઠગ ટોળકીએ ભારતમાં અલગ અલગ ૧૧ જગ્યાએ પેમેન્ટ એગ્રીગેટર રોઝર પે એકાઉન્ટ ખોલાવ્યાં હતાં. જેમાંનું એક એકાઉન્ટ વિજય વણઝારાના નામે હતું. જેથી બેંગ્લોર પોલીસે સુરત પોલીસને જાણ કરી એ સાથે જ સાઈબર ક્રાઈમની ટીમે વિજય વણઝારા અને જય પારેખની ધરપકડ કરી હતી.

પાવર બેંક અને ઇઝેડ પ્લાન નામની ચાઇનીઝ એપ દ્વારા બેંગ્લોર, દિલ્હી, ઉત્તરાખંડ સહિત અનેક વિસ્તારમાં લાખો લોકો સાથે રૂ. ૫૨૦ કરોડની છેતરપિંડી કરનારી ઠગ ટોળકી વિરુદ્ધ બેંગ્લોરમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં સુરતના વિજય વણઝારા ના નામે એક એકાઉન્ટ હોવાનું ફલિત થતાં બેંગ્લોર પોલીસે સુરત પોલીસને જાણ કરી હતી. એ સાથે જ પોલીસે વિજય છગન વણઝારા (ઉ.વ. ૩૫, રહે: સુમન શ્વેત, મગદલ્લા રોડ, મૂળ રહે: પીપલોદ ગામ, દેવગઢ બારિયા, દાહોદ)ને પકડી પાડ્યો હતો. જે ચા નાસ્તાની લારી ધરાવતો હતો. જેની તપાસમાં જણવા મળ્યું કે તેના નામે જે એકાઉન્ટ હતું તેનું ચંસાલન દિલ્હીની ઠગ ટોળકી કરતી હતી. તેની સાથે જય અશોક પારેખ (ઉ.વ.૩૦, રહે: રિવર હાઇટ્સ અડાજણ, મૂળ રહે: ભમધરા ગામ, ભાવનગર)ની સંડોવણી ખુલતા તેની પણ ધરપકડ કરી હતી.

સુરત સાઇબર ક્રાઈમની ટીમની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ દિલ્હી પોલીસે આ ગુનામાં કુલ ૧૧ની ધરપકડ કરી છે એ ટોળકી વિજયના એકાઉન્ટનું સંચાલન કરતી હતી. જેથી તેના એકાઉન્ટમાં કેટલા નાણાં જમા થયા અને કેટલાં ઉપડ્યા? તેની જાણકારી વિજય પાસે નથી. જ્યારે જય પારેખને દિલ્હીની ઠગ ટોળકી બે ટકા કમિશન આપતી હતી. આ ઠગ ટોળકીએ ૧૧૦ જેટલી બોગસ કંપનીઓ શરૂ કરી લાખો લોકો સાથે રૂ. ૫૨૦ કરોડની છેતરપિંડી કરી હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. આ કામગીરી સાઇબર ક્રાઇમના મદદનીશ પોલીસ કમિશનર યુવરાજસિંહ ગોહીલના માર્ગદર્શન તળે પોઈ ડી.કે. પટેલ, પોસઈ જે.બી. આહીર અને તેમની ટીમે કરી હતી.