મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરતના 65 લાખ લોકોની શાકભાજીની જરૂરિયાત સંતોષવા માટે સરદાર માર્કેટ (એપીએમસી)માં પ્રતિદિન આશરે 1,400 ટન એટલે કે 14 લાખ કિલો શાકની હરાજી થાય છે. એ શાકભાજી પૂરા શહેરમાં અલગ અલગ જગ્યાએ વેંચાય છે. વહીવટી તંત્ર તરફથી એપીએમસી, સરદાર માર્કેટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી તા. 14મી એપ્રિલ સુધી સરદાર માર્કેટ બંધ રાખવાનો આદેશ હોવાથી આગામી દિવસોમાં સુરતીજનો માટે શાકભાજી મેળવવાનું દુષ્કર બની જશે. કારણ કે વહીવટી તંત્ર તરફથી કોઇ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહીં આવે ત્યાં સુધી શાકભાજી મેળવવા માટે ઝઘડા થાય તો ના નહીં. ખરેખર તો વહીવટી તંત્ર તરફથી જ્યારે પણ આવો કોઇ મોટો નિર્ણય લેવામાં આવે ત્યારે લોકોને તકલીફનો સામનો ન કરવો પડે તે માટે પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે છે.

આ કિસ્સામાં કોઇ પણ જાતની વ્યવસ્થા કર્યા વગર જ એકાએક ધબાય નમઃ કરી દેવાતાં લોકોને ભારે મૂસિબતનો સામનો કરવો પડે તેવા દિવસો હવે દૂર નથી.
આ બાબતે એપીએમસી, સરદાર માર્કેટના ચેરમેન રમણ જાનીનો સંપર્ક કરતાં તેમણે કહ્યું કે આ માર્કેટમાં દરરોજ આશરે 1,300થી 1,400 ટન જેટલાં શાકભાજીની હરાજી થાય છે. હાલના તબક્કે માત્ર માર્કેટ બંધ રાખવાનો આદેશ જ આવ્યો છે. વૈકલ્પિક વ્યવસ્થા સંદર્ભે કોઈ જાણકારી મળી નથી.

પોલીસ કમિશનર આર.બી. બ્રહ્મભટ્ટે જાહેરનામુ પ્રગટ કરી એપીએમસી, સરદાર માર્કેટ 14મી એપ્રિલ રાત્રે 12 વાગ્યા સુધી બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે. પણ તેમાં કોઇ વૈકલ્પિક વ્યવસ્થાનો ઉલ્લેખ કરાયો નથી. પરિણામે વૈકલ્પિક વ્યવસ્થા થશે કે કેમ અને થશે તો ક્યારે અને કઇ જગ્યાએ થશે આ અને આવા અનેક પ્રશ્નો લોકોના મનમાં ઘુમરાઇ રહ્યા છે.

તો બીજી બાજુ લોકોને ચિંતા પણ સતાવી રહી છે કે બે ત્રણ દિવસ સુધી ચાલે તેટલાં શાકભાજી ઘરમાં હોય અથવા તો શાકભાજીના વેપારી પાસે પણ હોય. ત્યાર પછી શું થશે એ પ્રશ્ને લોકોમાં ચિંતા પ્રસરી છે.