મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ રાજ્યભરમાં અને ખાસ કરીને સુરતમાં હમણાથી જાહેર માર્ગ પર જન્મદિવસ ઉજવી તેમાં તલવાર કે બંદુકનો ઉપયોગ કરવાનો ટ્રેન્ડ જામ્યો છે. પોલીસ દ્વારા આવી હકરતો પર પ્રતિબંધ હોવા છતાં છેલબટાઉઓ પોલીસના ભય વગર બિન્દાસ્ત ઉજવણી કરતા હોય છે. સાથે જ બર્થડે બમ્પ્સના નામે વ્યક્તિને અધમૂઓ કરી નાખે તેવો માર પણ મારતા થયા છે બર્થડે વીથ વાયોલન્સના નામે તેના પર કડક કાર્યવાહીની માગ વધી રહી છે. આવી જ રીતે સુરતમાં એક ફાયરિંગનો વીડિયો વાયરલ થયો હતો જેમાં અનિશ ઉમેશ પટેલનો જન્મ દિવસ હતો અને યુવકો ફાયરિંગ કરી જાહેરમાં બર્થડે સેલિબ્રેટ કરતાં હતા. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે હરકતમાં આવી ફાયરિંગ કરનાર હરદતસિંહ દિલીપસિંહ વાસંધિયા અને બર્થડે બોય બંનેની ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વીડિયોમાં ફાયરિંગ કરતો હરદત મહાનગર પાલિકાના સેનેટરી ઈન્સપેક્ટર દિલીપ વાંસદિયાનો પુત્ર છે. રોડના કિનારે જાહેરમાં કેક કાપવામાં આવી અને અનિશને શુભેચ્છાઓ આપવા માટે હરદત દ્વારા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું અને પછી તેનો મિત્ર પોતે પણ ચાર જેટલા રાઉન્ડ ફાયર કરે છે.

બાબત એવી પણ સામે આવી છે કે આ વીડિયોમાં ફાયરિંગ કરનાર હરદતના પિતા દિલિપસિંહ પણ અનેક વખત જાહેરમાં ફાયરિંગ કરી ચુક્યા છે. તેના પિતા ઘણીવાર જાહેરમાં ફાયરિંગ કરતી વખતે પુત્રને પણ ગન પકડાવે છે અને ફાયરિંગ બંને સાથે કરતાં હોય તેવી પણ તસવીરો સામે આવી છે. આમ ‘વડ તેવા ટેટા’ની કહેવત આ ઘટનામાં સ્પષ્ટ બેસે છે. આ વીડિયો વાયરલ થયો તે પછી સુરત પોલીસ પોલીસે બંનેની હાલ ધરપકડ તો કરી છે પરંતુ આ ઘટનામાં તેમની સામે શું દંડાત્મક કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું છે. કારણ કે કોર્ટની કાર્યવાહી ઘણી લાંબી હોઈ આ ઘટનામાં ક્યારે અને કેટલી કાર્યવાહી લંબાય છે તે ચર્ચાનો વિષય બન્યો છે.