મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ  કુંભારિયા રોડ સ્થિત રઘુવીર ટેક્ષટાઈલ માર્કેટમાં મંગળવારે  મળસ્કે ફરી ભીષણ આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરુપ ધારણ કરી લેવાના કારણે ચોથા માળે લાગેલી આગ આખી બિલ્ડિંગમાં ફેલાઈ જતા માર્કેટની તમામ દુકાનો આગમાં સ્વાહા થઈ ગઈ હતી. આગનો કોલ મળતા ફાયરના લાશ્કરો સ્થળ પર પહોંચી ગયા હતા.  ફાયરે મેજર કોલ જાહેર કરી શહેરના તમામ ફાયર સ્ટેશનની ૭૦ ઉપરાંત ગાડીને સ્થળ પર રવાના કરી હતી. આ ઉપરાંત ત્રણ હાઈડ્રોલિક પ્લેટફોર્મને પણ રવાના કર્યા હતા. આગમાં રૂ. 400 કરોડના નુકસાનનો અંદાજ સેવાઈ રહ્યો છે. સ્થળ પર પાલિકા કમિશનર અને જિલ્લા કલેકટર પણ પહોંચી ગયા હતા. આ ઉપરાંત નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સને પણ કામે લગાડવામાં આવી હતી. આગ મળસ્કે ચાર વાગ્યે લાગી હોવાના કારણે કોઇ માણસની હાજરી ત્યાં ન હતી. પરિણામે આગમાં કોઇ જાનહાની થઈ ન હતી. સૂડાના ચેરમેને આ બિલ્ડિંગને સીલ કરવાનો આદેશ જારી કર્યો હતો.

રઘુવીર ટેક્ષટાઈલ માર્કેટમાં ચોથા માળે મળસ્કે ચાર વાગ્યે ઍકાઍક આગ લાગી હતી. દુકાનમાં લાગેલી આગને ગણતરીના મિનિટોમાં જ ભયંકર રૂપ ધારણ કરી લીધું હતું. જેના કારણે આગે ચોથા  માળ પરથી ઉપર અને નીચે પ્રસરી આખા માર્કેટને પોતાની લપેટમાં લઈ લેતા તમામ દુકાનો આગમાં સ્વાહા થઈ હતી. વહેલી સવારે લાગેલી આગની જ્વાળા આકાશમાં દૂર દૂર સુધી દેખાતી હતી. તો દુકાનમાં સાડી અને કાપડ હોવાથી આગના ધૂમાડા પણ ઍટલા દૂર સુધી દેખાયા હતા.

આ જ માર્કેટમાં પંદર દિવસ પહેલા પણ ચોથા માળે આગ લાગી હતી. તે વખતે પણ આગની લપેટમાં ચોથા માળથી લઈને છેક તેરમા સુધીનો માળ આગની લપેટમાં આવી ગયો હતો તે વખતે પણ ફાયર દ્વારા ભારે જહેમત ઉઠાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી.

રઘુવીર માર્કેટમાં લાગેલી આગ પર  કાબૂ મેળવવા માટે શહેરની તમામ ફાયર સ્ટેશનની ગાડી રવાના કરવામાં આવી હતી આ ઉપરાંત ફાયર પાસે અદ્યતન સાધન સામગ્રી છે છતાંયે આગ કાબુમાં ન આવતા આખરે સુરત શહેર ઉપરાંત બારડોલી, પલસાણા, કામેરજ, સચિન ,સચિન જીઆઈડીસી હજીરના ઓએનજીસી ફાયરની મદદ લેવામાં આવી હતી.

સૂડના ઈનચાર્જ ચેરમેન, પાલિકા કમિશનર બંછાનીધિ પાની પણ અધિકારીના કાફલા સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. સ્થળ નિરિક્ષણ કર્યા બાદ તેમણે કહ્યું કે  બિલ્ડિંગનું બીયુસી રદ કરવાની સાથે બિલ્ડિંગને સીલ કરવામાં આવશે.

ઍનડીઆરઍફ (નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ)ની ટીમને  બોલાવી લેવામાં આવી હતી અને આ ટીમે પણ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા.ફાયરના લાશ્કરો દ્વારા રઘુવીર ટેક્ષટાઈલ માર્કેટની આજુબાજુમાં આવેલા માર્કેટ અને સોસાયટીના બોરિંગમાંથી પાણી ભરાવી આગ પર મારો ચલાવ્યો હતો.