મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરત ખાતે અગાઉ પણ આગના બનાવને કારણે વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા છે. જે પછી ઠેરઠેર રેડ અને તપાસ કરીને નોટિસો આપવા સહિતાની કામગીરીઓ થઈ હતી. જોકે તેમ છતાં સુરતમાં ભટાર વિસ્તારમાં આવેલી જ્ઞાનગંગા વિદ્યાલયની પાસેની પ્લાસ્ટીકની ફેક્ટરીમાં આગ લાગતાં ૨૫૦ બાળકો સહિતનાઓનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો. જોકે તમામ બાળકોને તુરંત ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ કરીને સલામત કરી લેવામાં આવ્યા હતા. આગ જ્યાં લાગી ત્યાં પ્લાસ્ટીકના દાણાની ફેક્ટરી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આગ લાગ્યા બાદ તંત્રએ શાળાને સિલ કરી દીધી છે. સાંભળવા મળી રહ્યું છે કે શાળા પણ કાયદેસરની ન હતી. આ શાળા અહીં પહેલા માળે આવેલી છે જ્યાં શાળા છે ત્યાં જ ઔદ્યોગીક વિસ્તાર છે. અહીં એક તરફ ફેક્ટરીઓ અને બીજી તરફ શાળા એવો માહોલ છે.

અગાઉ થોડા જ દિવસો પહેલા સરથાણા ખાતેની આગમાં ૨૨ જેટલા વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હતા તે આગને કારણે ગુમાવેલા પોતાના સંતાનોને કારણે માં-બાપના હજું આંશુ પણ રોકાયા નથી ત્યાં ૨૫૦ બાળકોના જીવ જોખમાયા હતા. સરથાણાની આગ બાદ તંત્રએ કરેલી નોટિસો અને સીલની કામગીરીમાં આ શાળાને પણ નોટિસ આપવામાં આવી હતી. જોકે નોટિસ મળ્યા છતાં પણ શાળા દ્વારા ફાયર સેફ્ટીની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. મેયર જગ્દીશ પટેલનું કહેવું છે કે, આગ જ્યાં લાગી તે શાળા જો ગેરકાયદે હશે તો તેને સીલ કરવાની કાર્યવાહી કરાશે અને પાલીકા હાલ જરૂરી પગલા ભરી રહી છે. જોકે સવાલ એ છે કે જો ફાયર સેફ્ટી વગર શાળાઓને નોટિસ અપાઈ હતી તો આ શાળા ચાલુ કેવી રીતે થઈ.

આ અંગે વિપક્ષના વિધાનસભાના નેતા પરેશા ધાનાણીએ કહ્યું કે, રાજ્ય સરકારના વહીવટ કરનારાઓની જ અણઆવડતને કારણે લોકોના જીવ જોખમમાં મુકાય છે. સત્તાના મદમાં ભાન ભૂલેલાઓએ પ્રજાની ચિંતા કરવી જોઈએ. ૨૨ માસુમોનો જીવ લેનાર તક્ષશિલાની ઘટના હજુ પણ ભુલાઈ નથી.

બીજી તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, સરકારે આવી ઘટનાઓ અગાઉ જ્યારે પણ બની કડકાઈથી કામ કર્યું છે. જવાબદારો સામે પગલા ભર્યા છે. આ ઘટના અંગે સુરત કોર્પોરેશનના કમિશનર અને મેયર મુખ્યમંત્રીને જણાવશે તે પછી સરકાર જવાબદારોની સામે પગલા લેશે.