મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ વેસુ વીઆઈપી રોડ પર એક અકસ્માતમાં ફાયર વિભાગમાં કામ કરતાં કર્મચારીના પુત્રનું મોત નીપજ્યું છે. બાઈક રોડ વચ્ચેના થાંભલે ભટકાતા યુવક ગંભીર રીતે ઘવાયો હતો. ગંભીર ઈજાઓને પગલે તેનું મોત નીપજ્યું હતું. પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરતાં યુવકનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.

વેસુ વીઆઈપી રોડ પર બાઈક રોડ વચ્ચેના થાંભલા સાથે ધડાકાભેર અથડાતા 27 વર્ષિય સંતોષ કાશીરામ ચાંદલેકરનું મોત થયું છે. સુમણધારા આવાસ મગદલ્લા ખાતે રહેતો સંતોષ ત્રણ બહેનો વચ્ચે એક ભાઈ હતો. એકના એક સંતાનનું મોત થતાં પરિવાર શોકમાં સરી પડ્યો હતો. કાશીરામ સુરતના ફાયર વિભાગમાં જમાદાર તરીકે નોકરી કરે છે અને તેઓ મૂળ મહારાષ્ટ્રના વતની છે. સંતોષ જ્યારે ગંભીર રીતે અકસ્માતમાં ઘાયલ થયો હતો તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેને મૃત જાહેર કરતાં પરિવાર શોકમાં સરી પડ્યો હતો. પોલીસે તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.