મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ કોરોનાને હજુ પણ હળવાસમાં લઈ રહેલા લોકો અને ખાસ કરીને ભીડ ભેગી કરવા પંકાયેલાઓ માટે ચેતવણીરૂપ ઘટના સુરતમાં બની છે. અહીં એક જ પરિવારે કોરોનામાં બે સભ્યોને ગુમાવ્યા છે આ પરિવારની પીડા સમજી ગયેલા લોકોએ ખરેખર સાચવણી જ મુખ્ય સમજવી જરૂરી છે. આપણી આસપાસના લોકોમાંથી કોઈ પણ વ્યક્તિ સંક્રમિત હોઈ શકે છે તેથી સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો ઉપયોગ કેટલો જરૂરી છે તે સમજી શકાશે. મોટા વડીલોથી માંડી નાના બાળકોનો જીવ પણ કોરોનાને કારણે જોખમમાં મુકાય તેમ છે. સરકારના વેક્સિનેશન પ્રોગ્રામ પર વિશ્વાસ રાખવો હિતાવહ છે.

સુરતમાં ગોપીપુરા ખાતે જરીવાલા પરિવારે પોતાના બે સભ્યોને કોરોનામાં ગુમાવ્યા છે. સીટીસ્કેન સેન્ટરમાં ટેસ્ટિંગ માટે ગયેલા પિતાનું તબીયત બગડતાં ઢળી પડ્યા અને મોત થયું તેમની અચાનક વિદાયથી હજુ આ પરિવાર આઘાતમાં હતો ત્યાં ચોથા દિવસે માતાને પણ કોરોનાએ તેમનાથી છીનવી લીધી. માતા અને પિતા બંનેના અચાનક મૃત્યુથી પરિવાર ઘેરા શોકમાં છે.


 

 

 

 

 

77 વર્ષના લક્ષ્મીચંદ જરીવાલા અઠવાડિયા પહેલા ગેસ્ટ્રોમાં સપડાયા તે વખતે તેમના ફેમિલિ ડોક્ટર સાથે તેમની સારવાર ચાલતી હતી ત્યાં તેમને કોઈ ફરક ન પડ્યો સાથે જ તેમના પત્ની ખુશમનબેન પણ બીમાર થઈ ગયા. દરમિયાનમાં કોરોનાના લક્ષણ દેખાતા લક્ષ્મીચંદનો રિપોર્ટ કઢાવવાનું કહ્યું ત્યારે ગત પહેલી તારીખે તેઓ સીટી સ્કેન માટે કૈલાસનગર ખાતે ગયા હતા જ્યાં તેઓ અચાનક ઢળી પડ્યા. તેમની હાલત લથડી પડતાં તેમને તુરંત નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે ત્યાં ફરજ પર હાજર તબીબે તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. 

કોરોનાની ગાઈડલાઈન્સ પ્રમાણે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પરિવાર તેમની અચાનક વિદાયથી પરિવાર શોકમાં હતો ત્યાં માતા ખુશમનબેનની પણ હાલત બગડવા લાગી. તેમને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જોકે ગત 5મી એપ્રિલે 72 વર્ષિય ખુશમનબેનનું પણ કોરોનામાં મોત થઈ ગયું. પરિવાર માટે અચાનક આવેલા બીજા શોક સમાચાર પહેલા કરતાં પણ વધુ આઘાત લઈને આવ્યા હતા. જોકે હજુ તેમના પૌત્ર અને પૌત્રીના કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. જેને લઈને પરિવાર માટે ચિંતાના વાદળો ઉમટ્યા છે. હાલ તેઓ હોમ ક્વોરંટીન છે. જોકે આ ઘટનાથી લોકો માટે કોરોનાની ગંભીરતા સમજવી અને પરિવારને પડતી મુશ્કેલીઓ સમજવી જરૂરી છે. કારણ કે જાણતા અજાણતા આપણે અથવા આપણી આસપાસના લોકો સંક્રમણનો ફેલાવો કરી શકે છે. કોરોનાની સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન્સનું પાલન હવે આપણે કરવાનું છે.