મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરતમાં એક ગોઝારી ઘટના બની છે જેમાં 15 વ્યક્તિના મોત નિપજ્યા હતા. રસ્તા વચ્ચે લાશોના ઢગ ભેગા થઈ ગયા હોય તે રીતે ગાડીમાં ભરવામાં આવ્યા જે જોઈ લગભગ દરેક વ્યક્તિ હચમચી ગયો હતો. કિમ ચાર રસ્તા નજીક આવેલી ગટર ઉપર કેટલાક શ્રમિકો સુઈ ગયા હતા. તેમની સવાર પડી જ નહીં કારણ કે રાત્રે તેઓ સુઈ રહ્યા હતા ત્યારે એક માતેલા સાંઢની જેમ આવેલું ડમ્પર તેમના પર ફરી વળ્યું હતું. તેઓ ઉંઘમાં હતા જેને કારણે તેમને આવા કોઈ બનાવમાં બચવાની તક પણ ન મળી. તેમને ખ્યાલ જ ન આવ્યો કે મૃત્યુ તેમની નજીક આવી રહ્યું છે.

કીમ ચાર રસ્તા પાસે નેશનલ હાઈવે પરથી માંડવી તરફ જવાના રસ્તા ઉપર એક ડમ્પર આવી રહ્યું હતું. જે સામેથી આવતા શેરડી ભરેલા ટ્રેક્ટર સાથે ભટકાતા ડમ્પર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. જેને કારણે રોડની બાજુમાં આખા દિવસના થાક પછી નિરાંતે સુઈ રહેલા શ્રમીકો પર તેના ટાયર ફરી વળ્યા હતા.

મજુરોને ખ્યાલ પણ નહીં હોય કે બીજા દિવસેની સવાર તેમના માટે થશે નહીં અને તેમની લાશોનું પોસ્ટ મોર્ટમ થવાનું છે. પોલીસને ઘટનાની જાણ થથાં તેઓ અહીં દોડી આવ્યા હતા. અહીં રીતસર લાશોના ઢગલા હોય તેવું દ્રશ્ય હતું. લોહી ટપકતી હાલતમાં પડેલી આ લાશોના ઢગલા જોઈ લોકોમાં પણ અરેરાટી વ્યાપી ગઈ હતી. મૃતક મજુરો અહીં રાજસ્થાનથી કામ માટે આવ્યા હતા. તેઓ છેલ્લા એક મહિનાથી અહીં રહેતા હતા. રસ્તા પરનું ગટરનું ઢાંકણું જ તેમનો આશરો હતો. આ અકસ્માતમાં બે બાળકીઓનો જીવ બચી ગયો છે જે થોડી રાહત આપી શકે પરંતુ 15 વ્યક્તિના મોત એ એક આઘાત જનક ઘટના હતી. 

આ ઘટનાને પગલે પ્રધાનમંત્રી ઓફીસ દ્વારા ઈજાગ્રસ્તોને 50 હજાર તેમજ મૃતકોના પરિજનોને રૂપિયા 2 લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. રાજ્ય સરકારે પણ મૃતક પરિવારોને 2 લાખની જહેરાત કરી હતી. રાજસ્થાનના મુખ્યમંત્રી ગહેલોતે પણ આ ઘટનાની જાણ થતાં દુઃખ વ્યક્ત કર્યું હતું.