મેરાન્યૂઝ નેટવર્ક. સુરતઃ સુરતની પરિણીતાની લસકાણા હત્યા કર્યા બાદ લાશ સાપુતારા નજીક ફેંકવાની ઘટનામાં પોલીસને એવી હકીકત મળી હતી કે જેની હત્યા થઈ છે તે પરિણીતા એક અંગત મોબાઇલનો ઉપયોગ કરતી હતી. આ મોબાઈલ શોધવા માટે પોલીસે હત્યારાની પૂછપરછ કરી તો તેણે મોબાઈલ તાપી નદીમાં ફેંકી દીધો હોવાની કબૂલાત કરી હતી. ત્રણેક દિવસની મહેનતના અંતે આ મોબાઈલ તાપી નદીમાંથી શોધી કાઢવામાં પોલીસ સફળ રહી છે. જે મોબાઇલ એફએસએલમાં મોકલવામાં આવશે. પરિણામે આ મોબાઈલ અનેક રહસ્યો પરથી પરદો ઉંચકે તો ના નહીં. 

વરાછામાં લંબે હનુમાન રોડ પર પંચરત્ન ટાવરમાં રહેતા ડો. નીલેશ વિરાણીનાં પત્ની બીનાબહેન (ઉ.વ.36) ગઈ તા. 27મી એપ્રિલે તેમના પિતાના ઘરેથી ગુમ થઈ હતી. જેની હત્યા કરાયેલી લાશ સાપુતારા નજીક એક અવાવરુ જગ્યાએથી મળી હતી. જેની હત્યા સંજય ભનુ ડોબરિયાએ કરી હોવાનું તપાસમાં ફલિત થતાં પોલીસે સંજયની ધરપકડ કરી છે.

પોલીસની તપાસમાં એવી હકીકત સપાટી પર આવી હતી કે બીનાબહેન એક અંગત મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હતા. જે મોબાઈલ ફોન સંજયે હત્યા કર્યા બાદ તાપી નદીમાં ફેંકી દીધો હતો. બે દિવસની મહેનતના અંતે વઘઈ પોલીસ એ મોબાઈલ શોધી કાઢવામાં સફળ રહી છે.

ડાંગના એએસપી અજિત રાજિયને કહ્યું હતું કે મોબાઇલ ફોન ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવશે. જેના આધારે અનેક રહસ્યો પરથી પરદો ઉંચકાશે. તેમણે વધુમાં કહ્યું કે સંજયે બીનાની હત્યા કર્યા બાદ તેની ઓળખ ન થાય તે માટે તેનાં કપડાં બદલી નાખ્યા હતા તે કપડાં અને જે વાયરથી ગળું દબાવી બીનાની હત્યેા કરી હતી તે વાયર તાપી નદીનાં ઊંડાં જળમાં ફેંકી દીધા છે. જે શોધવા માટે સુરત મનપાના ફાયર બ્રિગેડ વિભાગના તરવૈયાની મદદ માગવામાં આવી છે.