મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ આત્મહત્યા એ કોઈ સમસ્યાનું સમાધાન નથી, આજે World Suicide Prevention Day છે એટલે કે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ અને આજના જ દિવસે રત્ન કલાકારોએ પોતાનો એક નેતા ગુમાવ્યો છે. સુરત સહિત દુનિયાભરમાં કોરોનાને કારણે ઘણી તકલીફો ઊભી થઈ છે. દેશમાં આજે નોકરીઓ ઓછી થઈ છે અને લોકોના પગાર ઘટ્યા છે. ઘણા લોકોએ કોરોનાકાળમાં નોકરી ગુમાવી છે. આટલા વર્ષો સુધી અઢળક નફો કરનારી કંપનીઓએ પણ ચાર મહિનામાં ધંધો નીચે પડી રહેલો જોતાં પોતાના જ વિશ્વાસુ માણસોને દરવાજાની બહાર કાઢ્યા છે. આવી જ આર્થિક સંકળામણના કારણે સુરતના રત્ન કલાકાર સંઘના પ્રમુખ જયસુખ ગજેરાએ આત્મહત્યા કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેમની લાશ તાપી નદીમાંથી મળી આવી છે. 

સુરતના રત્ન કલાકારો માટે લડતમાં સતત આગળ રહેલા જયસુખ ગજેરાએ તાપી નદીમાં કુદી જઈને મોત વ્હાલુ કર્યું છે. આર્થિક તકલીફોને કારણે તેમણે આ પગલું ભર્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે છતાં તેમના આપઘાતનું રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે કારણ કે જ્યાં સુધી સત્તાવાર રીતે પોલીસ સામે આવતું નથી કે આ ઘટનામાં છે શું ત્યાં સુધી તે અંગે સ્પષ્ટ કોઈ તારણ પર આવવું મુશ્કેલ છે. હાલમાં જ તેમણે કોરોનાની સ્થિતિમાં મુખ્યમંત્રી વિજય રુપાણીને પત્ર પણ લખ્યો હતો.


 

 

 

 

પ્રાપ્ત માહિતી અનુસાર રત્ન કલાકાર સંઘના પ્રમુખ જયસુખ ગજેરાએ રાત્રે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સાથે વાત કરી હતી. તેમણે આ વાતચિતમાં પોતાના રાજીનામા આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે ત્યાર પછી સુરતના કામરેજ નજીકથી વહેતી તાપી નદીમાં તેમણે કુદીને આત્મહત્યા કરી લીધી હતી. તેમના પરિચિતો તેમને રાત્રીથી જ ફોન કરીને શોધી રહ્યા હતા. જોકે તેઓ મળી આવતા ન્હોતા, દરમિયાન તેમનું બાઈક કામરેજના કઠોર બ્રીજ પાસેથી મળ્યું હતું. તે પછી સ્વજનોએ આસપાસ તપાસ કરી હતી. જોકે આખરે નદીમાં તેમનો મૃતદેહ મળ્યો હતો. 

રત્નકલાકારોને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવે ત્યારથી લઈને ફરીથી તેમને નોકરી પર રાખવા સહિતના મુદ્દે તેઓ પ્રયાસ કરતાં હતાં. રત્નકલાકારોને વતન જવા માટે ટ્રેન, રહેવા મકાન, આરોગ્યની સુવિધાઓ જેવી પાયાની સુવિધાઓ માટે પણ તેઓ પ્રયાસ કરતાં હતાં.સરકારે હાઈકોર્ટમાં કોરોનાના ફેલાવા માટે રત્નકલાકારોને જવાબદાર ઠેરવ્યા ત્યારે સરકાર વિરૂધ્ધ તેઓ હાઈકોર્ટમાં કેસ કરવાની તૈયારી કરી રહ્યા હતાં.

 

[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ]