મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સામાન્ય વ્યક્તિ માટે લોન લેવી કેટલી અઘરી છે તે લોકડાઉન દરમિયાન મોટા ભાગના લોકોને ખબર પડી ગઈ હતી. લોન લેવા અને તેની ભરપાઈની ખરાઈ કરવા માટે કેટલા ડોક્યૂમેન્ટ્સ આપવા પડ્યા અને બેન્કે કેટલી સિક્યૂરિટી રાખી તે બધું જ ખબર પડી ગઈ હતી. જોકે આવી સ્થિતિ દરેકની નથી હોતી, ભારતમાં તવંગરો માટે બેન્કોમાંથી લોન લેવી અને બાદમાં ફૂલેકું ફેરવી નાખવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતની એક કંપનીએ બેન્કોને અબજો રૂપિયા ડૂબાડ્યા હોવાની માહિતી ખુદ આરબીઆઈએ આપતાં ચોંકાવી મુક્યા હતા. દેશની 100 જેટલી કંપનીની 62000 કરોડની લોન માંડવાળ કરવામાં આવી છે. ગુજરાતની કંપનીએ બેન્કોના અબજો રૂપિયા ડુબાડ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

સુરતની વિનસમ ડાયમંડ કંપનીએ બેન્કોના 3098 કરોડની લોન લઈ ડૂબાડી મુક્યા છે. વિનસમ ડાયમંડનો માલિક જતિન મહેતાએ કહેવાય છે કે લોન મામલામાં લોકોને ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો, જયકુમાર બેગાની સામે ઘણા કેસ કર્યા હતા. જોકે જયકુમારને વિવિધ એજન્સીઓ દ્વારા ક્લીનચીટ અપાઈ હતી. જતીન મહેતા સામે રેડકોર્નર નોટિસ પણ ઈશ્યૂ થઈ ચુકી છે. આવા તો ઘણા તવંગરોએ અગાઉ પણ બેન્કોને ચુના લગાવ્યા છે. તેના હાલના જ દાખલા ગણીએ તો પીએનબી કૌભાંડ કરી નિરવ મોદી ભારતથી છૂ થઈ ગયો, ઉપરાંત મેહુલ ચોક્સી પણ આવી જ રીતે લોન લઈ હાલ એન્ટિગુઆમાં હોય તેવી માહિતી મળી રહી છે પરંતુ બીજા આવા ઘણા છે જેઓએ નાનું મોટું કરીને બેન્કોને કોઈને કોઈ રીતે ચૂનો લગાવ્યો છે અથવા લગાવવાનો પ્રયત્ન કર્યો છે.