મેરાન્યૂઝ નેટવર્ક.સુરત: હજીરાના અદાણી પોર્ટના ગેટનંબર 2ની પાસે આવેલા પાર્કિંગમાંથી ડીસીબીની ટીમે એક કાર પકડી હતી જેમાંથી બીયરના ટીન અને ઈમ્પોર્ટેડ બોટલો નંગ ૮ મળી આવી હતી. પોલીસે કારની સાથે ભાવિન નામના એક વ્યકિતને પકડ્યો હતો. જેણે આ દારુનો જથ્થો હજીરા પોર્ટના કસ્ટમ ઓફિસર અવિનાશ રાવતનો હોવાનું કબૂલ્યું હતું. પોલીસે કસ્ટમ ઓફિસર અને ઈરફાન નામના વ્યક્તિને વોન્ટેડ બતાવ્યો છે.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, ડીસીબીના કોન્સ.ધર્મેન્દ્ર કિશનને એવી માહિતી મળી હતીકે હજીરાના અદાણી પોર્ટ પર પાર્કિંગમાં કસ્ટમ ઓફિસર દ્વારા મંગાવવામાં આવેલો દારુનો જથ્થો ભરેલી કાર ગેટ નંબર 2 ના પાર્કિંગ પાસે ઉભી છે જેને આધારે પોલીસ ટીમે અદાણી પોર્ટના પાર્કિંગના ગેટ નંબર 2 પાસે વોચ ગોઠવી હતી જ્યાંથી પોલીસને એક કારની હિલચાલ શંકાસ્પદ જણાતા પોલીસે તેની તલાશી લેતા તેમાંથી બીયરના ૧૨૦ ટીન અને ઈમ્પોર્ટેડ ફેમસ ગ્રાઔસ વ્હીસ્કીની ૮ બોટલો મળીને કુલ 3.૩૭ લાખની મત્તા મળી આવી હતી.પોલીસે ભાવીન ભગવાનદાસ કાપડી (બાવાજી)રહે આશિષ રો હાઉસ જહાંગીર પુરાને પકડી લીધો હતો તેણે પોલીસ સમક્ષ એવી કબુલાત કરી હતીકે હજીરાના પોર્ટના કસ્ટમ ઓફિસર અવિનાશ રાવતનો આ દારુનો જથ્થો છે અને ઈરફાનનામના વ્યક્તિના ફોન થી ઓફિસર અવિનાશ રાવતે ભાવિનને ફોન કર્યો હતો અને દારુનો જથ્થો ઈરફાનની કાર માંથી ભાવિનની કારમાં મુક્યો હતો ત્યારેજ પોલીસ આવી ગઈ હતી.ડીસીબીના પી.એસ.આઈ.આર.જે.ચૌધરીએ ભાવિનની કબુલાતને આધારે કસ્ટમ ઓફિસર અવિનાશ રાવત અને તેના માણસ ઈરફાનને વોન્ટેડ જાહેર કર્યા છે.