મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરત શહેરના વેડરોડ સ્થિત રોયલ પ્લાઝામાં એક ઓફીસ ધરાવતા યુવકની લાશ મળી આવી હતી. હજીરા વિસ્તારમાંથી આ યુવકની લાશ મળી આવી હતી. છેલ્લા 12 દિવસથી ગુમ આ વ્યક્તિની લાશ કોહવાયેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી હતી. અહીં યુવકે ઝેર પી લઈને જીવનનો અંત આણ્યો હતો. યુવકે વ્યાજખોરોની ઉઘરાણીઓને કારણે જીવનનું અંતિમ પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

હનીપાર્ક રોડના વેપારીની લાશ મળ્યાની ઘટનાને પગલે તપાસ કરતાં ઓફીસના ડ્રોઅરમાંથી એક અંતિમ ચિઠ્ઠી અને વેપારીનો મોબાઈલ મળી આવ્યો હતો. સાથે જ વેપારીની પાસેથી ઝેરની બોટલ મળી આવી હતી. આ ઘટનામાં હાલ પોલસને આત્મહત્યા કરવામાં આવી હોવાની બાબત સ્પષ્ટ થઈ રહી છે. પોલીસે આ સ્યૂસાઈડ નોટ વાંચતા તેમાં લખ્યું હતું કે, મમ્મી પપ્પા, હું જાઉં છું મારી પર લોકોનું બહુ પ્રેશર છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અડાજણ હનીપાર્ક રોડ પરના શિવદર્શન રો હાઉસ ખાતે રહેતા 38 વર્ષિય કેતનભાઈ હરિશચંદ્ર સોપારીવાલા કાપડનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમની ઓફીસ વેડરોડ પર આવેલા રોયલ પ્લાઝામાં હતી. ગત 8મી તારીખે તેઓ ઓફીસ ગયા પછી પાછા આવ્યા ન્હોતા. 

તેમની સ્યૂસાઈડ નોટમાં લખ્યું હતું કે, મમ્મી-પપ્પા, આઈ એમ ગોઈંગ, મારી પર લોકોનું બગું પ્રેશર છે. મને લોકો બહુ ટોર્ચર કરે છે. લોકો મને જીવવા નથી દેતા. આજે સવારે પણ મનહરભાઈનો ભત્રીજો જે બહુ માથેભારે માણસ છે. વિપુલ મારી ઓફિસે આવી મને મારી નાંખવાની ધમકી આપી ગયો છે. બધા રૂપિયા ચૂકવી દીધા છે. ફક્ત ત્રણ-લાખ પચ્ચાસ હજાર માટે મારી પર જુલમ કરે છે. બસ હવે મારાથી સહન નથી થતું. હું જાઉં છું સ્યુસાઈડ કરવા. માઈ ડિયર ફાધર સોરી.

તેમની સ્યૂસાઈટ નોટમાં મોબાઈલ નંબર સાથે પાંચથી છ વ્યક્તિના નામ પણ લખેલા હતા. પરિવારને જ્યારે આ સ્યૂસાઈડનોટ મળી ત્યારે તેઓ ચોંકી ગયા હતા. તેઓ 12 દવસથી ગુમ હતા. સોમવારે હજીરા સ્થિત એએમએનએસ ઈન્ડિયા કંપનીના એચઓડી ટાઉનશિપ સામે હાઈટેન્શન લાઈનના થાંભલા વચ્ચે નદીકિનારા પરથી કોહવાયેલી હાલતમાં લાશ મળી હતી. પરિવારના સભ્યોએ તેની ઓળખ કરી હતી. પોલીસે તેમની લાશ પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. હાલ અનુમાન આત્મહત્યા હોવાનું લગાવાઈ રહ્યું છે.