મેરાન્યૂઝ નેટવર્ક.સુરત: સુરતના વેસુ વિસ્તારમાં આવેલા કોફી કેસલ નામનાં એક કેફેમાં સોમવારે સાંજના સમયે એક યુવતી બેભાન અવસ્થામાં મળી હતી. ત્યાર બાદ આ યુવતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા યુવતીને મૃત જાહેર કરવામાં આવી હતી. યુવતીના પરિવારનો આરોપ હતો કે જે યુવક સાથે તેમની પુત્રી કેફમાં ગઈ હતી તે યુવકે જ તેમની પુત્રીની હત્યા કરી છે. જ્યાં સુધી ક્રાઈમ બ્રાન્ચ અથવા સીબીઆઈને આ કેસની તપાસ આપવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારે ઇન્કાર કર્યો હતો.

સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા સુશાંત સાહુની 21 વર્ષીય પુત્રી મધુસ્મિતા કામરેજની એક કોલેજમાં અભ્યસ કરતી હતી. સોમવારે સાંજે મહોમદ મદની નામના એક મિત્ર સાથે મધુસ્મિતા મહાવીર કોલેજ પાસે આવેલા રાજડ્રીમ કોમ્પ્લેક્સમાં કોફી કેસલ નામના કોફી શોપના કપલ બોક્સમાં ગઈ હતી. દોઢ કલાક બાદ યુવતી કપલ બોક્સમાં બેભાન અવસ્થામાં મળી હતી. જેના કારણે સારવાર માટે તેને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાં ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. યુવતીના મિત્ર મહોમદે ડોક્ટરને જણાવ્યું હતું કે મધુસ્મિતાએ ઝેર પીધું છે. પછી જ્યારે હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરાતાં યુવક ત્યાંથી ભાગી ગયો હતો અને પોતાનો ફોન પણ સ્વીચ ઓફ કરી દીધો હતો.

Advertisement


 

 

 

 

 

હોસ્પિટલમાં યુવતીના પરિવાર દ્વારા કેસ ક્રાઈમ બ્રાન્ચને આપવાની માગ કરવામાં આવી હતી. આજે કેસ ક્રાઈમ બ્રાન્ચને અપાતા યુવતીના પરિવારે તેનો મૃતદેહ સ્વીકાર્યો હતો અને અંતિમક્રિયાની તૈયારીઓ શરુ કરી હતી. પોસ્ટમોર્ટમમાં પણ મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી તેના કારણે હવે વિશેરા સેમ્પલ લઈને લેબમાં તાપસ માટે મોકલવામાં આવ્યા છે.

મધુસ્મિતાના પિતાએ જણાવ્યું હતું કે મારી દીકરી કયારેય આત્મહત્યા ન કરે તેની હત્યા કરવામાં આવી છે. યુવતીની માતાએ આ યુવક યુવતીને હેરાન કરતો હોવાનો આરોપ મૂક્યો હતો. હવે આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચ હાથ ધરી છે. આવનારા સમયમાં યુવતીના મૃત્યુનું કરણ વિશેરા રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે. યુવતીનો મિત્ર મહોમદ મદની હજુ ફરાર છે અને તેનો ફોન પણ બંધ છે તેને શોધવાનો પણ પોલીસ પ્રયત્ન કરશે.