મેરાન્યૂઝ નેટવર્ક.સુરત : અમેરિકામાં ગુજરાતીઓ સલામત નથી તેવા કિસ્સા અનેકવાર બન્યા છે. અમેરિકામાં ગુજરાતીઓ પરના હુમલા સતત વધી રહ્યાં છે. લૂંટના ઈદારે તેમના પર ફાયરિંગ કરવામાં આવે છે. ત્યારે વધુ એક વખત અમેરિકાની ધરતી પર ગુજરાતીની હત્યા થઈ છે. મૂળ સુરતનું અને અમેરિકામાં રહેતા દંપતી પર ફાયરિંગની ઘટના બની છે. જેમાં પત્નીનું મોત નિપજ્યું છે. તેમજ પતિને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાયો છે.

જાણવા મળતી વિગત મુજબ, સુરતના ભરથાણાનો કણબી પરિવાર છેલ્લા 20 વર્ષથી અમેરિકાના મેરીલેન્ડમાં સ્થાયી થયો છે. આ પરિવાર મેરીલેન્ડમાં મોટલના બિઝનેસ સાથે સંકળાયેલો છે. ત્યારે હાલમાં દંપતી દિલીપ પટેલ અને તેમના પત્ની ઉષા પટેલ શુક્રવારે મોટલના કામમાં વ્યસ્ત હતા, ત્યારે કેટલાક અજાણ્યા ઈસમો તેમના ઘરે લૂંટના ઈરાદે આવ્યા હતા. લૂંટારુઓ દંપતી પર ફાયરિંગ કરીને નાસી છૂટ્યા હતા. જેને પગલે તાત્કાલિક બંનેને હોસ્પિટલમાં ખસેડાયા હતા. 


 

 

 

 

 

હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ ઉષાબેનનું કરુણ મોત નિપજ્યું છે. તો હાલ તેમના પતિ દિલીપ પટેલ સારવાર હેઠળ છે. પટેલ દંપતી સાથે બનેલી આ ઘટનાને કારણે સુરતમાં રહેતા તેમના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. આ દંપતીને સંતાનમાં બે બાળકો છે. જેમાં મોટો દીકરો હોટલ ઉદ્યોગ સાથે જોડાયેલો છે. તેમનાં સંતાનો પણ આ સમાચાર જાણીને શોકમાં ગરકાવ થઈ ગયા છે. અને આરોપીઓને કડક સજા કરવાની માંગ તેમણે કરી છે. 

ઉલ્લેખનીય છે કે, વિદેશમાં રહેતા ગુજરાતીઓ હંમેશા લૂંટારુઓના ટાર્ગેટ પર હોય છે. તેમાં પણ અમેરિકામાં રહેતા ગુજરાતીઓના માથા ઉપર સતત આ ખતરો તોળાતો હોય છે. હાલ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન ભારતીય તરફ ઝુકાવ ધરાવે છે, આવામાં આવા કિસ્સા પર ત્વરિત એક્શન લેવાય તેવી ત્યાંના ગુજરાતીઓની પણ માંગ છે.