મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સરકારી આંકડાની માયાજાળને કેન્દ્રમાં રાખીને જો વાત કરવામાં આવે તો સુરતનું બિહામણું ચિત્ર કાંઇક આવું છે. છેલ્લા એક મહિનામાં કોરોનાના 20 હજાર જેટલા નવા કેસ આવ્યા છે, 225 લોકોનાં મોત થયાં છે અને રિકવરી રેટ 95 ટકાએથી ઘટીને 88 ટકા પર આવ્યો છે. સરકારી આંકડામાં જે મોત દર્શાવવામાં આવ્યાં છે તેના કરતા વાસ્તવમાં અનેકગણા લોકો મોતને ભેટ્યાં હોવાનું સ્મશાનભૂમિની સ્થિતિ પરથી સ્પષ્ટ થાય છે. સુરત ઉપરાંત બારડોલી, કામરેજ સહિતના નજીકનાં ગામોનાં સ્મશાનગૃહમાં પણ અંતિમ સંસ્કાર કરવા પડે છે. આટલું જ નહીં પણ સુરતમાં તાબડતોબ વનાં ચાર સ્મશાનગૃહ કાર્યરત કરવા પડ્યાં છે. જે કોરોના કાળની ભયંકર સ્થિતિ દર્શાવી જાય છે. જેની સામે સરકારી આંકડા માત્ર પાશેરામાં પહેલી પૂણી જેવા સાબિત થઈ રહ્યા છે.

સુરત શહેરમાં છેલ્લા 30 દિવસમાં કોરોના વાયરસના રેકોર્ડ બ્રેક 20 હજાર જેટલા કેસો નોંધાઈ ચૂક્યા છે. જેને પગલે શહેરની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ તો ઠીક ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે બેડ ખૂટી પડ્યા છે. નવા સ્ટ્રેઈનની ઘાતકી અસર અને સમયસર સારવારના અભાવે સુરત શહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓનાં ટપોટપ મોત નિપજી રહ્યાં છે. આ વરવી વાસ્તવિકતા વચ્ચે સૌથી માઠી અસર સુરત શહેરના રિકવરી રેટ પર જોવા મળી રહી છે. સુરત શહેરમાં કોરોના વાયરસના સંક્રમણનો રિકવરી રેટ હવે ઘટીને 88 ટકા પર પહોંચી ચૂક્યો છે. જે અંગે સીધી અને સરળ ભાષા સમજીએ તો શહેરમાં દર 100 કોરોનાગ્રસ્ત દર્દીએ સરકારી ચોપડે 12 દર્દીઓનાં મોત નિપજી રહ્યાં છે.

સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓ અને મોતના આંકડા છૂપાવવા માટે આકાશ - પાતાળ એક કરવામાં આવી રહ્યા છે પરંતુ સરકારી ચોપડા પર જે આંકડાઓ જોવા મળી રહ્યા છે તેનો જ હિસાબ માંડીએ તો માત્ર એક મહિનામાં સુરત શહેરમાં કોવિડ-19નો રિકવરી રેટ 95 ટકાએથી ઘટીને સીધો 88 ટકા પર પહોંચ્યો છે. જ્યારે માર્ચ મહિનાની 15 તારીખથી આજ દિન સુધી અંદાજે 20 હજાર કોરોનાગ્રસ્ત દર્દીઓ નોંધાઈ ચુક્યા છે. કુદકે ને ભુસકે વધી રહેલી કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યાને પગલે હાલ શહેરમાં મેડિકલ ઈમરજન્સીની સ્થિતિ ઉદ્ભવી ચૂકી છે. સુરત મનપા જ નહીં રાજ્ય સરકાર પણ કોરોનાની આ બીજી લહેર પર કાબુ મેળવવા માટે રીતસરના હવાતિયા મારી રહી છે ત્યારે આગામી દિવસોમાં આ સ્થિતિ વધુ વિકરાળ બને તેવી શક્યતા હાલના તબક્કે નકારી શકાય તેમ નથી.

એક માસમાં કોરોનાથી 225 લોકોનાં મોત

સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી યાદી જોતા એક માસમાં સુરત શહેરમાં કોરોના વાયરસની સારવાર લઈ રહેલા દર્દીઓમાંથી 225 લોકોના મોત થયા છે. આ તો સરકાર દ્વારા જાહેર કરવામાં આવલા સત્તાવાર આંકડા છે, તેની સામે સુરતના સ્મશાનગૃહોમાં થતી અંતિમ વિધિના આંકડાઓ અલગ છે.