મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરતમાં પાલિકાના મધ્યસ્થ વિકાસ વિભાગના ત્રણ ઈજનેરને કોરોના રસી કોવિશિલ્ડ લીધા પછી કોરોના થયાની ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. એટલું જ નહીં આ પૈકીના બે ઈજનેરને તો રસીના બે ડોઝ લીધા અને તેના પાંચ જ દિવસમાં કોરોના થઈ ગયો છે. આ ઈજનેરોને કોરોના સંક્રમણ સામે આવતા અઠવાડિયા માટે શહેરી વિકાસ વિભાગને મુલાકાતીઓ માટે બંધ કરવાનો નિર્ણય કરાયો છે. જેથી અન્યોને કોરોના સંક્રમણથી બચાવી શકાય.

ઈજનેરોનું માનીએ તો બે ઈજનેરોને રસીના બંને ડોઝ લીધા અને 4 દિવસમાં તેમને ઉધરસ અને ગળામાં ઈન્ફેક્શન જેવું લાગતા તેમણે રિપોર્ટ કરાવ્યો હતો જે રિપોર્ટ પોઝિટિવ આવતા બંધા ચોંકી ગયા હતા. જોકે નિષ્ણાંતોનું કહેવું છે કે, રસી લીધાના થોડા દિવસો સુધી એ એન્ટિબોડી બને છે જેથી ડોઝ લીધા પછી કોરોના ન થાય તેવું દરેક વખતે જરૂરી નથી. આ ઈજનેરો પૈકી એકએ ગત 8 ફેબ્રુઆરીએ, બીજાએ 2જી માર્ચે અને ત્રીજાએ 3 માર્ચે જ કોરોના વેક્સીનના બીજા ડોઝ લીધા હતા.