મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરતમાં કોરોના વાયરસના ભરડામાં બે જણાનો ભોગ લેવાયા બાદ ધીરેધીરે પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. રવિવારે એક જ દિવસમાં ત્રણ પોઝિટિવ દર્દી નોંધાયા બાદ સોમવારે  સવારે વધુ બે  દર્દીનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. રાંદેરની અલ અમીન રેસિડેન્સીમાં રહેતા બાવન વર્ષના અહેસાન રશીદ ખાન અને રાંદેર વિસ્તારના ૪૭ વર્ષની મહિલા યાસમીન અબ્દુલ કાપડિયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે  આ બંને દર્દી કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા નથી છતાંયે રિપોર્ટ પોઝિટિવ આવતા શહેરમાં લોકલ ટ્રાન્સમિશન વધી રહ્યાનો સીધો સંકેત માની શકાય. આ સાથે પોઝિટિવ દર્દીની સંખ્યા શહેરમાં 16 પર પહોંચી છે. આ ઉપરાંત આજે સોમવારે વધુ પાંચ શંકાસ્પદ દર્દી દાખલ થયા છે તો ડિંડોલીના એક વર્ષના માસુમ બાળક સહિત આઠ જણાના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. સુરતમાં દિવસે દિવસે પોઝિટિવ કેસો વધતા તંત્ર ભારે ચિંતિત બન્યું છે.

અત્યાર સુધીની સ્થિતિ જોઇએ તો  સુરતમાં શંકાસ્પદ કેસની સંખ્યા ૨૦૫, પોઝિટિવ કેસની સંખ્યા ૧૬, નેગેટિવની સંખ્યા ૧૮૮ અને ૨ રિપોર્ટ પેન્ડિંગ હોવાનુ જાણવા મળે છે.  જયારે જિલ્લામાં બે પોઝિટિવ નોંધાયા છે.

રવિવારે  મોડી રાત્રે સ્મીમેર હોસ્પિટલમાં કોરોના વાયરસના લક્ષણો ધરાવતા અને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવેલા પુણાગામના આધેડ અને કડોદરાના યુવકનું મોત નિપજ્યું છે.  આ બંને જણાનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. પુણાગામ દેવનિવાસ સોસાયટીમાં રહેતા  લાલ બાબુ પડવા (૬૦)ને ગઈકાલે  કોરોના વાયરસના લક્ષણો સાથે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં  આવ્યા હતા. ત્યાં લાલ પડવાનું બે કલાકની સારવાર બાદ મોત નિપજ્યું હતું. જયારે આઈસોલેસન વોર્ડમાં સારવાર લઈ રહેલા કડોદરાના ૨૨ વર્ષના યુવકનું પણ રાત્રે મોત નિપજ્યું છે. આ બંનેને કોરોના શંકાસ્પદ લક્ષણો ધરાવતા આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જાકે બંને જણાના રિપોર્ટ હજુ પેન્ડિંગ છે.

તો એક સારા સમાચાર એ પણ છે કે અત્યાર સુધીમાં દાખલ થયેલા પોઝિટિવ કેસમાંથી પાંચ દર્દીઓ સારવારના અંતે સ્વસ્થ થઈ જતાં આ પાંચેયને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.