મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ રવિવારે સુરત માટે સારા સમાચાર સામે આવ્યા છે. યુકેથી આવેલી યુવતી સુરતમાં પહેલી કોરોનાગ્રસ્ત જાહેર થતા તેને  સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. યુવતીનો સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રિકવરી દેખાતા યુવતીનો બીજો રિપોર્ટ ચોવીસ કલાક બાદ કરવામાં આવશે તે પણ નેગેટિવ જાહેર થશે ત્યારે દર્દીને રજા આપી દેવામાં આવશે તેમજ ત્યારબાદ તેના સગા અને તેની સાથે સંપર્કમાં આવેલા લોકો જેને કોરેન્ટાઈન કરાયા છે તેમને પણ રજા આપી દેવામાં આવશે તેમ આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.

વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસમાંથી સુરત પણ બાકાત રહ્યું નથી. સુરતમાં સૌથી પહેલો કેસ લંડનથી આવેલી યુવતીમાં પોઝિટિવ આવ્યો હતો ત્યારબાદ ધીરેધીરે કરીને સાત પોઝિટિવ કેસ નોંધાયા છે અને ઍકનું મોત પણ નિપજ્યું છે. આ ઉપરાંત સુરતમાં ઘણા લોકોને હોમ કોરોનટાઈન પણ કરવામાં આવ્યા છે. ગઈકાલે પણ સુરતમાં કોરોના લક્ષણો દેખાતા  સાત શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા બાદ આજે રવિવાર પણ પાંચ શંકાસ્પદ કેસો સામે આવ્યા છે. કોરોના આતંક વચ્ચે સુરત સહિત ગુજરાત માટે સારા સમાચાર આવ્યા છે. સુરતમાં સૌ પ્રથમ કોરોનાગ્રસ્ત જાહેર થયેલી અને યુકેથી આવેલી યુવતીનો સારવાર બાદ કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

યુવતીમાં રિકવરી દેખાઇ રહી છે યુવતીનો ચોવીસ કલાક બાદ બીજો રિપોર્ટ કાઢવામાં આવશે  જો એ રિપોર્ટ પણ  નેગેટિવ જાહેર થશે તો દર્દીને રજા આપી દેવામાં આવશે. આરોગ્ય વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ કોરોનાના લક્ષણ છે તે બંધ થયાના ત્રણ દિવસ પછી દર્દીને ટેસ્ટ કરાવવામાં આવે છે સુરતમાં પહેલી કોરોનાના ગ્રસ્ત જાહેર થઈ હતી. તે યુવતીને લક્ષણ બંધ થયાના ત્રણ દિવસ પછી રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.. જેના કારણે દર્દી રિકવરી સ્ટેજ પર આવી ગઈ હોવાનું કહેવાય છે. આ ટેસ્ટ બાદ ચોવીસ કલાક પછી બીજો ઍક ટેસ્ટ કરવામાં આવશે. આ ટેસ્ટ નેગેટિવ આવે તો દર્દીને સાજા થયેલો જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ તેને રજા અપાશે તેમજ તેના સગા અને તેની સાથે સંપર્કમાં આવેલા લોકો જેને કોરેન્ટાઈન કરાયા છે તેમને પણ રજા આપવામાં આવશે.

 વધુ પાંચના રિપોર્ટ નેગેટિવ, નવા શંકાસ્પદ લક્ષણો દેખાતા આઠને દાખલ કરાયા

કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો દેખાતા વધુ આઠ જણાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  જેમાં  મહાવીર હોસ્પિટલમાં ફરજ બજાવતા નાનપુરાના ૩૮ વર્ષીય યુવકને મહાવીર હોસ્પિટલમાં, યુકેથી આવેલા ઉધનાના ૨૬ વર્ષીય યુવકને નવી સિવિલ હોસ્પિટલમાં, વલસાડથી આવેલા નાનપુરાના ૭૬ વર્ષીય વૃધ્ધાને મેથાર્ડ ઍવડાન્ટેડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જયારે નવી સિવિલ હોસ્પિટલમાં પુનાથી આવેલા સિટીલાઈટના ૨૪ વર્ષીય યુવકને, મહારાષ્ટ્રથી આવેલા પાંડેસરાના ૨૬ વર્ષીય યુવકનેં, અડાજણના ૨૬ વર્ષીય યુવકને, ઉલ્લાસ નગરથી આવેલા ડિંડોલીના ૩૭ વર્ષીય યુવકને  તથા વરાછાના ૧૭ વર્ષીય સગીરને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જયારે આજે વધુ પાંચ દર્દીના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ ૭૭  શંકાસ્પદ દર્દી સામે આવ્યા હતા. જેમાં શહેરમાં કુલ ૬ અને જિલ્લામાં ૧ દર્દી મળી કુલ ૭ પોઝિટિવ દર્દી સામે આવ્યા છે. ૧ દર્દીનું મોત નિપજ્યું છે. જ્યારે ૬૨ વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. હાલ ૯ વ્યક્તિના રિપોર્ટ પેંડિંગ છે.