મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ રાંદેરના ૬૭ વર્ષના વૃદ્ધનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તંત્ર દ્વારા તપાસ કરાતા વૃદ્ધ કોઈ પણ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા નથી. છતાંયે તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર ગંભીર બન્યું છે. તંત્ર દ્વારા લોકોને ઘરની બહાર નહી નિકળવાની અપીલ કરવામાં આવી રહી છે પરંતુ લોકો તંત્રની અપીલને ગંભીરતાથી લેતા ન હોવાને કારણે તંત્ર  હવે ઍકદમ સખ્તાઈથી અમલ કરાવે તો નવાઈ નહી, સુરતમાં રાંદેરના વૃદ્ધની સાથે અત્યાર સુધીના  પોઝિટિવ કેસનો આંકડો આઠ પર પહોચ્યો છે. જ્યારે સુરત માટે ઍક સારા સમાચાર ઍવા પણ આવ્યા છે. જે પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલ ઉધનાના યુવક સહિત વધુ ત્રણ જણાના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે આજે સ્મીમેર હોસ્પિટલની હેલ્થ વર્કર યુવતી સહિત 8 શંકાસ્પદ લક્ષણો સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુરતમાં અત્યાર સુધીમાં શંકાસ્પદ કેસ ૧૦૪, પોઝિટિવ કેસ ૮, નેગેટિવ કેસ ૮૩ જયારે ૧૩ રિપોર્ટ પેન્ડિંગ છે.

આજે કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો સાથે દાખલ કરવામાં આવેલા પૈકી સ્મીમેર હોસ્પિટલમાં હેલ્થ વર્કર તરીકે નોકરી કરતી વરાછા વિસ્તારની ૨૫ વર્ષીય યુવતી, અમદાવાદથી આવેલ વરાછાના ૩૩ વર્ષીય યુવક, બોમ્બે માર્કેટ વિસ્તારમાં રહેતા ૬૩ વર્ષીય વૃદ્ધને, સીમાડામાં રહેતા ૬૦ વર્ષીય વૃદ્ધને, સીંગણપોરના ૨૯ વર્ષીય યુવકને સ્મીમેર હોસ્પિટલમાં, ભટાર વિસ્તારના ૮૩ વર્ષીય વૃધ્ધને નવી સિવિલ હોસ્પિટલમાં, અડાજણના ૬૦ વર્ષીય વૃદ્ધને નવી સિવિલ હોસ્પિટલમાં,. રાંદેરના ૫૭ વર્ષીય આધેડને મેટાસ ઍડવેન્ટેડ હોસ્પિટલ, મુંબઈથી આવેલા પર્વત પાટિયાના ૨૫ વર્ષીય યુવકને નવી સિવિલ હોસ્પિટલમાં અને કતારગામના ૬૮ વર્ષીય મહિલાને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં સીંગણપોરનો યુવક દુબઈની સાથે પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યો હોવાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. આજે ત્રણ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જેમાં સ્મીમેર હોસ્પિટલમાં દાખલ ભેસ્તાનના ૨૫ વર્ષીય યુવક, ઉધનામાં પોઝિટિવ દર્દીના સંપર્ક આવેલ યુવકનો અને હીરાબાગનો વિસ્તારમાં રહેતા હેલ્થ વર્કર યુવકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.