મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ કોરોના વાઇરસના સંદર્ભમાં સુરતની સ્થિતિ ગંભીર બનવા તરફ જઈ રહી હોવાનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. એક તરફ ગુજરાતમાં પહેલું મોત સુરતમાં થયું છે તો બીજી બાજુ કોરોન્ટાઇનમાં રહેલો યુવાન ઘરની બહાર નીકળ્યો તો તેની સામે પોલીસે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કર્યો છે. આ રીતે ગુનો દાખલ થયો હોય તેવી પણ આ ગુજરાતની કદાચ પ્રથમ ઘટના છે.

કતારગામના લીંબાચિયા ફળિયામાં રહેતા દેવરામ નામના 50 વર્ષીય યુવાનના શેઠ દિનેશભાઈને કોરોના સંદર્ભે હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી હતી તે વખતે દેવરામ ત્યાં હાજર હતો. જેથી તેને ચેપ લાવાની અને તેના કારણે અન્ય લોકોને પણ ચેપ લાગવાની સંભવિત શક્યતાને ધ્યાને લઈ તેને ઘરમાં જ રહેવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. આમ છતાં તે ઘરની બહાર નીકળ્યો હોવાથી કતારગામ પોલીસ મથકમાં તેની વિરુદ્ધ ગુનો નોંધાયો છે.  કોરોન્ટાઇન યુવાન આ રીતે બહાર નીકળ્યો હોય અને ગુનો નોંધાયો હોય તેની આ પ્રથમ ઘટના છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં કુલ કેસ 18 પહોંચ્યા છે. હાલ આ કેસની સંખ્યા હજુ વધે તેવી શક્યતાઓ છે. ઉપરાંત વડોદરામાં પણ કોરોના વાયરસ લાગ્યો હોવાની શંકા ધરાવતા એક વ્યક્તિનું પણ મોત થયું છે તે વ્યક્તિના હજુ રિપોર્ટ આવ્યા નથી.

આ ઉપરાંત સુરત પોલીસે એક અન્ય ગુનો નોંધવાની પહેલ પણ કરી છે. જેમાં જાહેરમાં કાર્યક્રમ યોજવા પર પ્રતિબંધ હોવા છતાં કાર્યક્રમનું આયોજન કરનારી સંસ્થા સામે પણ ગુનો નોંધ્યો છે.