મેરાન્યૂઝ નેટવર્ક, સુરતઃ કલેક્ટર ડૉ. ધવલ પટેલે દીવાળીના પર્વમાં ગિફ્ટ અને મિઠાઈના બદલે માત્ર અને માત્ર પુસ્તકો જ સ્વીકારવાં એવો નિર્ણય કર્યો. આ નિર્ણયને મક્કમતાપૂર્વક વળગી રહ્યા. તેનું પરિણામ એ આવ્યું કે શહેરના કેટલાક દિગ્ગજ ગણાતા ખેરખાંઓને વીલા મોઢે પરત ફરવાનો વખત આવ્યો હતો કારણ કે તે મોંઘીદાટ ગિફ્ટ અને મિઠાઈ લઈને કલેક્ટર કચેરી પર પહોંચ્યા હતા.

શહેરની અત્યાર સુધીની પરંપરા તરફ દૃષ્ટિપાત કરીએ તો શહેરના બિલ્ડરો, ઉદ્યોગપતિઓ કલેક્ટરને ‘હાથવગા’ રાખવા માટે દીવાળીના તહેવારોમાં મોંઘીદાટ ગિફ્ટ અને મિઠાઈ લઈ પહોંચી જતા હોય છે. જેવું જેનું કામ હોય તે પ્રમાણે મોંઘીદાટ ગિફ્ટ હોય. પછી આખું વર્ષ પોતાનાં કામો કરાવ્યા કરે. આવી પરંપરાનો આ કલેક્ટરે છેદ ઉડાવી દીધો છે.

દીવાળીના તહેવારને હજુ તો ત્રણ-ચાર દિવસનો સમય બાકી હતો ત્યાં જ તેમની ઓફિસે અને નિવાસસ્થાને એક લખાણ ચોંટાડી દીધું હતું. જેમાં લખ્યું, ‘‘આપ સર્વેને દીવાળી અને નવા વર્ષની શુભકામનાઓ. આપની શુભકામનાઓ બહુમૂલ્ય છે. મિઠાઇઓ કે ભેટ સોગાદો આપી તેનું અવમૂલ્યન કરશો નહીં. આ દીવાળી ગમતા માણસોને સારાં પુસ્તકો આપી નવો ચિલો ચાતરિયે.’’

આવું લખાણ ચોંટાડ્યું હોવા છતાં કેટલાંક મોટા ગજાના લોકો મોંઘીદાટ ગિફ્ટ લઈને કલેક્ટર કચેરી પર પહોંચ્યા હતા. પોતાની ગિફ્ટ તો કલેક્ટર સ્વીકારશે જ એવો અહંમ રાખીને ત્યાં પહોંચેલા તમામને ત્યાંથી વીલા મોઢે પરત ફરવું પડ્યું હતું. કારણ કે કલેક્ટર પોતાના નિર્ણયમાં અડગ રહ્યા હતા. કોઈની પણ ગિફ્ટ કે મિઠાઈ સ્વીકારી જ નહીં. જે લોકો પુસ્તક લઇને પહોંચ્યા હતા તે તમામ પાસેથી પુસ્તકો સ્વીકાર્યાં હતાં. આખો દિવસ આગેવાનો, ઉદ્યોગપતિઓ, બિલ્ડરોની અવરજવર ચાલુ રહી હતી. જે તમામને આ અનુભવ થયો હતો.

આ બાબતે કલેક્ટર ડો. ધવલ પટેલનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું તેમને પહેલેથી જ પુસ્તકોનો શોખ છે. વળી, મિઠાઈ કે ગિફ્ટ પડ્યા રહે જ્યારે પુસ્તકોનો અભ્યાસ કરી શકાય. એટલા માટે જ આ નિર્ણય કર્યો છે. બીજું કોઈ ખાસ કારણ નથી.